ભારત હવે વિશ્વશક્તિ બનવા તૈયાર, સંસદમાં રાષ્ટ્રપતિનું સંબોધન
નવી દિલ્હી, 28 જાન્યુઆરી 2026: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સંસદના સંયુક્ત સત્રને સંબોધિત કરતા દેશની ભાવિ દિશા અને સરકારની પ્રાથમિકતાઓનો સ્પષ્ટ રોડમેપ રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ તેમના ભાષણમાં અંતરિક્ષ વિજ્ઞાનમાં ભારતની હરણફાળ, સામાજિક ન્યાયનો વિસ્તાર અને ભ્રષ્ટાચાર સામેની કડક લડાઈ જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો. રાષ્ટ્રપતિએ અંતરિક્ષયાત્રી શુભાંશુ શુક્લાની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનની મુલાકાતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, “આ ભારતની લાંબા ગાળાની અંતરિક્ષ સફરનું પ્રથમ મોટું પગલું છે.”
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવા જઈ રહ્યું છે. હવે ભારતીયો માટે સ્પેસ ટુરિઝમ (અંતરિક્ષ પ્રવાસન) પણ પહોંચમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. દેશ સંપૂર્ણ ઉત્સાહ સાથે ગગનયાન મિશન પર કામ કરી રહ્યો છે, જે ભારતને આત્મનિર્ભર અંતરિક્ષ શક્તિ તરીકે સ્થાપિત કરશે. તેમણે 1984માં રાકેશ શર્માની અંતરિક્ષ યાત્રાને યાદ કરતા જણાવ્યું હતું કે, ભારત આ પેઢી સાથે ફરી એક નવો અને સુવર્ણ અધ્યાય શરૂ કરી રહ્યું છે.
સરકારના સામાજિક ન્યાયના દાવાઓને મજબૂત કરતા રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર સાચા સામાજિક ન્યાય માટે પ્રતિબદ્ધ છે. સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ હવે અંદાજે 95 કરોડ નાગરિકો સુધી પહોંચી રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં આશરે 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. આ સરકારના ત્રીજા કાર્યકાળમાં ગરીબોને વધુ સશક્ત કરવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભ્રષ્ટાચારના મુદ્દે રાષ્ટ્રપતિએ સરકારનો પક્ષ રાખતા કહ્યું કે, વર્તમાન સરકારે કૌભાંડો પર અસરકારક અંકુશ મેળવ્યો છે. જાહેર નાણાંનો સદુપયોગ થાય અને યોજનાઓનો લાભ સીધો પાત્ર લોકો સુધી પહોંચે તે માટે પારદર્શક વ્યવસ્થા મજબૂત કરવામાં આવી છે. આ પ્રયાસોથી જનતાનો સરકાર પરનો વિશ્વાસ વધ્યો છે અને શાસન વધુ જવાબદાયી બન્યું છે.
રાષ્ટ્રપતિના સંબોધન દરમિયાન વિરોધ પક્ષો દ્વારા હંગામો પણ જોવા મળ્યો હતો, તેમ છતાં સરકારે પોતાના એજન્ડાને સ્પષ્ટ રીતે રજૂ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સત્તાધારી પક્ષના નેતાઓએ અંતરિક્ષ ક્ષેત્રની સિદ્ધિઓ અને સામાજિક કલ્યાણની યોજનાઓ પર રાષ્ટ્રપતિના નિવેદનોનું સ્વાગત કર્યું હતું. નિષ્ણાતોના મતે, આ સંબોધન ટેકનોલોજી, વિકાસ અને સામાજિક ન્યાય – આ ત્રણેય પાસાઓને સાથે લઈને ચાલવાની સરકારની વ્યૂહરચના દર્શાવે છે.
આ પણ વાંચોઃ મેક ઇન ઇન્ડિયા: 38 વર્ષ બાદ ભારત ફરી બનાવશે પેસેન્જર પ્લેન


