મેલેરિયા મુક્તિના આરે ભારત: 10 વર્ષમાં કેસોમાં 85 ટકાનો ઘટાડો
નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025 : ભારત ફરી એકવાર મેલેરિયા જેવી જીવલેણ બીમારીને જડમૂળથી ઉખેડી ફેંકવાની ઉંબરે આવીને ઊભું છે. 1960ના દાયકામાં ભારતે મેલેરિયાને લગભગ સમાપ્ત કરી દીધો હતો, પરંતુ 70ના દાયકામાં તે ફરી વકર્યો હતો. જોકે, આઈસીએમઆર–નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ (NIMR)ના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં મેલેરિયાના કેસોમાં 80 થી 85 ટકાનો ઘટાડો નોંધાયો છે.
- 92 ટકા જિલ્લાઓમાં સ્થિતિ કાબૂ હેઠળ
રિપોર્ટ અનુસાર, વર્ષ 2015 થી 2024 દરમિયાન ભારતે મેલેરિયા નિયંત્રણમાં અભૂતપૂર્વ સફળતા મેળવી છે. હાલમાં દેશના 92 ટકા જિલ્લાઓમાં મેલેરિયાનું પ્રમાણ એક અંકથી પણ નીચે છે, જે સૂચવે છે કે ભારત હવે ‘પ્રી-એલીમિનેશન ફેઝ’ (નિર્મૂલન પૂર્વેના તબક્કા) માં પહોંચી ગયું છે. સરકારનું લક્ષ્ય 2027 સુધીમાં મેલેરિયા મુક્ત થવાનું અને 2030 સુધીમાં દેશમાંથી આ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવાનું છે.
આ પણ વાંચોઃ 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીને દ્રૌપદી મુર્મુ દ્વારા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો
ICMRના રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે હવે શહેરોમાં મેલેરિયાની પેટર્ન બદલાઈ રહી છે. દિલ્હી, ગુરુગ્રામ, મુંબઈ અને હૈદરાબાદ જેવા મેટ્રો શહેરોમાં બાંધકામ સાઇટ્સ પર ભરાયેલા પાણી અને ગીચ વસ્તીને કારણે ‘અર્બન મેલેરિયા’ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ખાસ કરીને ‘એનોફિલીસ સ્ટેફેન્સી’ મચ્છરો શહેરી વિસ્તારોમાં નવા પડકારો ઊભા કરી રહ્યા છે.
ICMRના ડાયરેક્ટર જનરલ ડો. રાજીવ બહલે જણાવ્યું હતું કે, “ભારતે મેલેરિયાને નિયંત્રિત કરવામાં મોટી સફળતા મેળવી છે, પરંતુ અંતિમ તબક્કો સૌથી નિર્ણાયક છે. સચોટ દેખરેખ અને સ્થાનિક વ્યૂહરચનાથી જ આ લક્ષ્ય હાંસલ કરી શકાશે.”
દેશના પૂર્વોત્તર રાજ્યો, ગાઢ જંગલો અને આદિવાસી વિસ્તારોમાં હજુ પણ મેલેરિયા મોટો પડકાર છે. ભૌગોલિક પ્રતિકૂળતા અને સ્વાસ્થ્ય સેવાઓની મર્યાદિત પહોંચને કારણે આ વિસ્તારોમાં મચ્છર નિયંત્રણ અને દવાઓની સપ્લાયમાં મુશ્કેલી પડી રહી છે.
આ પણ વાંચોઃ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં ગુજરાતના બે લોકોના મોત


