
દિલ્હી: ભારતે 2019માં લગભગ અડધો ડઝન યુએસ ઉત્પાદનો પર લાદવામાં આવેલી વધારાની ડ્યુટી દૂર કરી છે. ભારતમાંથી અમુક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટેરિફ વધારવાના યુએસના નિર્ણયના જવાબમાં આ પગલું લેવામાં આવ્યું છે. 2019માં અમેરિકાના આ પગલાના જવાબમાં ભારતે તેના 28 ઉત્પાદનો પર આ ડ્યૂટી લગાવી હતી.
આ ઉત્પાદનો પરની ડ્યુટી હટાવવાની માહિતી નાણા મંત્રાલયની 5 સપ્ટેમ્બરની સૂચનામાં આપવામાં આવી છે. આ ઉત્પાદનોમાં ચણા, દાળ (મસૂર), સફરજન, છાલ વાળા અખરોટ અને તાજી અથવા સૂકી બદામ તેમજ છાલવાળી બદામનો સમાવેશ થાય છે. આ અમેરિકન પ્રોડક્ટ્સ પર વધારાની ડ્યુટી હટાવવાથી હવે આ સામાન દેશમાં સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન જી-20 સમિટ માટે ભારત આવે તે પહેલા ભારતે આ પગલું ભર્યું છે. બાઈડેન શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરશે.
જૂનમાં વડા પ્રધાનની યુએસની સત્તાવાર મુલાકાત દરમિયાન બંને દેશોએ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુટીઓ) માં છ વિવાદોને સમાપ્ત કરવાનો અને અમેરિકન ઉત્પાદનો પર લાદવામાં આવેલા પ્રતિશોધાત્મક ટેરિફને દૂર કરવાનો નિર્ણય લીધો હતો. કરારના ભાગરૂપે ભારત ચણા પર 10 ટકા, મસૂર પર 20 ટકા, તાજી અને સૂકી બદામ પર 7 રૂપિયા પ્રતિ કિલો, છાલવાળી બદામ પર 20 રૂપિયા પ્રતિ કિલો, અખરોટ પર 20 ટકા અને તાજા સફરજન પર 20 ટકા ડ્યૂટી દૂર કરશે.
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે જુલાઈમાં રાજ્યસભામાં એક લેખિત જવાબમાં કહ્યું હતું કે, સરકારે સૂકા, તાજા, છાલવાળી બદામ, અખરોટ, ચણા, મસૂર, સફરજન, બોરિક એસિડ અને ‘મેડિકલ ડાયગ્નોસ્ટિક રીએજન્ટ્સ’ પર લગાવવામાં આવેલ જવાબી શુલ્કને હટાવવાનો નિર્ણય લેવાયો છે. તેમણે કહ્યું હતું કે, અમેરિકા સામે લાદવામાં આવેલી વળતી ડ્યુટી હટાવવાથી અથવા આયાત ડ્યૂટી ઘટાડવાથી ભારતને કોઈ નુકસાન થશે નહીં. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.