1. Home
  2. ગુજરાતી
  3. ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે
ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે

ભારતે S-400 માટે મોટી ખરીદી શરૂ કરી, રશિયાથી 300 નવી મિસાઇલ ખરીદાશે

0
Social Share

નવી દિલ્હીઃ ભારતે પોતાના વ્યૂહાત્મક એર ડિફેન્સ સિસ્ટમ S-400 માટે મોટી ખરીદી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રક્ષણ મંત્રાલય રશિયાની સરકારી કંપની રોસોબોરોનએક્સપોર્ટ પાસેથી લગભગ 300 નવી મિસાઇલ્સની ખરીદી માટે તૈયાર થઈ રહ્યું છે. આ નિર્ણય મે 2025માં થયેલા ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન S-400ના ભારે ઉપયોગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ ખરીદીનો કુલ ખર્ચ 10,000 કરોડથી વધુ રહી શકે છે. સરકાર આ ડીલને ચાલુ નાણાકીય વર્ષમાં જ પૂર્ણ કરવા માંગે છે. હવે આ માટે કોસ્ટ નેગોશિએશન કમિટી (CNC) અને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી (CCS)ની મંજૂરી જરૂરી છે.

ઓપરેશન ‘સિંદૂર’ દરમિયાન S-400 સિસ્ટમએ પાકિસ્તાનના લડાકુ વિમાન, ડ્રોન અને સર્વેલન્સ એરક્રાફ્ટને નિશાન બનાવવા ખાસ ભૂમિકા ભજવી હતી. 40N6E મિસાઇલ દ્વારા 314 કિમી દૂર પાકિસ્તાનની અંદર એક મોટું એરક્રાફ્ટ નષ્ટ કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમ એકસાથે 36 સુધી લક્ષ્યો પર પ્રહાર કરી શકે છે. પાકિસ્તાનના F-16, ચીનમાંથી ખરીદેલા લડાકુ વિમાન, AWACS અને અનેક ડ્રોનને દૂરથી જ નષ્ટ કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં લાહોર, રાવલપિંડી અને સિયાલકોટ એરબેસનું રડાર નેટવર્ક દબાવી દેવાયું, જેને કારણે પાકિસ્તાને તેના ઘણા એરક્રાફ્ટને અફઘાનિસ્તાન અને ઈરાન બોર્ડર પાસેના બેસમાં ખસેડવા પડ્યા હતા. આ કામગીરી બાદ ભારતે તાત્કાલિક રીતે મિસાઇલ સ્ટોક ફરી ભરવાની જરૂરિયાત અનુભવી છે.

સૂત્રોનું માનવું છે કે, ભારતીય સશસ્ત્ર દળો આગામી સમયમાં 5 વધુ S-400 સિસ્ટમ ખરીદવા પર વિચાર કરી રહ્યા છે. તે સાથે રશિયાના Pantsir એર ડિફેન્સ સિસ્ટમ પણ વિકલ્પ તરીકે વિચારાધીન છે, જે હુમલાખોર અને કમિકાઝી ડ્રોનને અટકાવવા માટે જાણીતું છે. બન્ને સિસ્ટમ સાથે મળીને ભારતને મલ્ટી-લેયર્ડ એર ડિફેન્સ શિલ્ડ મળશે. હાલમાં પાંચમાંથી ત્રણ S-400 સ્ક્વોડ્રન ભારતને મળી ચૂક્યા છે, બાકીના બે સ્ક્વોડ્રન આવતા વર્ષ સુધી તૈનાત થઈ જશે.

આ ડીલને ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) પહેલેથી મંજૂરી આપી ચૂકી છે. આગામી ભારત–રશિયા શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન આ ખરીદી પર ચર્ચા કરી શકે છે. ચર્ચામાં નવા S-500 સિસ્ટમ અથવા અન્ય સંયુક્ત રક્ષણ પ્રોજેક્ટ્સનો મુદ્દો પણ ઉઠી શકે છે. S-400 સિસ્ટમની સફળ કામગીરી બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે આ સિસ્ટમ આવનારા વર્ષોમાં ભારતની હવાઈ સુરક્ષાનો મુખ્ય આધાર રહેશે. આ મિસાઇલ ખરીદી ભારતની વ્યૂહાત્મક શક્તિમાં વધારો કરી રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code