
ભારત હવે પરમાણુ હુમલાની ધમકી સહન નહીં કરેઃ નરેન્દ્ર મોદી
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સંબોધનમાં પાકિસ્તાન સહિત દુનિયાના દેશોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ભારત હવે પરમાણુ હુમલાની ધમકી સહન નહીં કરે. તેમજ જો ભારત ઉપર હવે આતંકવાદી હુમલો થશે તો ભારત પોતાની શરતો પ્રમાણે તેનો જવાબ આપશે. આ ઉપરાંત આતંકવાદને પ્રોત્સાહન આપનારા અને આતંકી આકાઓને ભારત સમાન નજરથી જ જોશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, હાલનો યુગ યુદ્ધનો નથી, પરંતુ આતંકવાદનો પણ નથી. પાકિસ્તાન જે રીતે આતંકવાદને પ્રોસ્તાહન આવે છે, તે જ આતંકવાદ પાકિસ્તાનને એક દિવસ ખતમ કરી નાખશે. પાકિસ્તાન આતંકવાદના ઈન્ફ્રાસ્ટ્રકચરને ખતમ કરશે તો જ શાંતિ સ્થપાશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ટેરર અને ટોક એક સાથે ના થઈ શકે. ટેરર અને ટ્રેડ એક સાથે ના થઈ શકે. પાણી અને લોહી એક સાથે ન વહી શકે. પાકિસ્તાન સાથે હવે માત્ર પીઓકે અને આતંકવાદ મુદ્દે જ વાતથશે. ભગવાન બુદ્ધએ શાંતિનો માર્ગ બતાવ્યો છે પરંતુ શાંતિનો માર્ગ શક્તિથી જ આગળ વધે છે.
પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પૂછીને પરિવારજનોની નજર સામે તેમની હત્યા કરી હતી. જેથી આતંકવાદનો બિભત્સ ચહેરો સામે આવ્યો છે. મારા માટે વ્યક્તિગતરૂપે આ પીડા મોટી હતી. આતંકવાદ સામેની કાર્યવાહીમાં સેનાને છુટો દોર આપવામાં આવ્યો છે. ઓપરેશન સિંદૂર હાલ સ્થગિત કરવામાં આવ્યું છે. હવે પાકિસ્તાન શું કરે છે તેની ઉપર નજર રાખવામાં આવશે. ઓપરેશન સિંદૂર ભારતની આતંકવાદ સામેની નીતિછે.