
ભારતીય સેનાની સાથે જોડાયેલી શૈક્ષણિક સંસ્થાઓ પણ પાકિસ્તાનની હેકર્સના નિશાના ઉપર
નવી દિલ્હીઃ જ્યારે પણ પડોશી દેશ પાકિસ્તાને ભારત તરફ આંખ ઉઘાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેને ભારતીય સેનાના હાથે નુકસાન સહન કરવું પડ્યું. આ જ કારણ છે કે, ભારતીય સેના હંમેશા પાકિસ્તાનના નિશાના પર રહે છે, પરંતુ હવે પાડોશી દેશની નાપાક નજર દેશની ટોચની શૈક્ષણિક સંસ્થાઓ પર પણ છે. ભારતીય સુરક્ષા સંશોધકોએ આ અંગે એલર્ટ જાહેર કરતા જણાવ્યું છે કે, ભારતીય સેનાની સાથે સાથે IIT અને NIT જેવી મોટી સંસ્થાઓ પણ પાકિસ્તાની હેકર્સના નિશાના પર છે.
એક અહેવાલ મુજબ, સુરક્ષા સંશોધકોએ તાજેતરના સમયમાં સાયબર હુમલાની લહેર શોધી કાઢી છે, જેની પાછળ પાકિસ્તાન સ્થિત ટ્રાન્સપરન્ટ ટ્રાઈબ નામનું હેકર જૂથ સામેલ છે. ટ્રાન્સપરન્ટ ટ્રાઈબની એક સબડિવીઝન, સાઈડકોપી નામથી છે, જે ભારતીય સંરક્ષણ સ્થાપનોને નિશાન બનાવવામાં સામેલ છે. હેકિંગ અભિયાન ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે ડીઆરડીઓના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકની ધરપકડ કરવામાં આવી હતી. આ વૈજ્ઞાનિક હનીટ્રેપમાં ફસાઈ ગયો હતો અને તેની ઉપર પાકિસ્તાની એજન્ટોને સંવેદનશીલ માહિતી આપવાનો આરોપ છે. આ હેકર્સ કેવી રીતે કામ કરે છે અને તેઓ કયા ટૂલ્સનો ઉપયોગ કરે છે તેની મહત્વની માહિતી હાથમાં આવી છે.
મે 2022 થી, ટ્રાન્સપેરેન્ટ ટ્રાઈબનું ધ્યાન મુખ્યત્વે ભારતીય ટેકનોલોજી સંસ્થાન (IITs), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી (NITs) અને દેશની કેટલીક ટોચની બિઝનેસ સ્કૂલોને લક્ષ્ય બનાવવા પર કેન્દ્રિત છે. 2023 ની શરૂઆતથી, આ હુમલાઓ વધ્યા છે. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, આ સંસ્થાઓને નિશાન બનાવવા પાછળનું કારણ શું છે, પરંતુ આમાંની કેટલીક સંસ્થાઓ ભારતીય સેના સાથે મળીને કામ કરી રહી છે, તેથી એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેના કારણે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, આ હેકર્સ ભારતીય સરકારી એજન્સીઓને નિશાન બનાવવા માટે Linux માલવેર પોસીડોનનો પણ ઉપયોગ કરી રહ્યા છે. હેકર્સ પીડિતાને ફસાવવા માટે Bingechat અને Chatiko જેવી મેસેજિંગ એપનો ઉપયોગ કરી રહ્યા છે. હેકર્સ આ એપ્સ દ્વારા GraviTRAT ટ્રોજન મોકલી રહ્યા છે. GravityRAT એ રિમોટ એક્સેસ ટૂલ છે, જેનો ઉપયોગ 2015 થી થઈ રહ્યો છે.