1. Home
  2. ગુજરાતી
  3. ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ડે: ભારતીય તટરક્ષક દળ 1978માં માત્ર 7 જહાજોના કાફલા સાથે અસ્તિત્વમાં આવેલું
ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ડે: ભારતીય તટરક્ષક દળ 1978માં માત્ર 7 જહાજોના કાફલા સાથે અસ્તિત્વમાં આવેલું

ઇન્ડીયન કોસ્ટ ગાર્ડ ડે: ભારતીય તટરક્ષક દળ 1978માં માત્ર 7 જહાજોના કાફલા સાથે અસ્તિત્વમાં આવેલું

0
Social Share

‘वयम रक्षाम:’ અર્થાત ‘અમે રક્ષણ કરીએ છીએ.’ના સૂત્ર સાથે ભારત દેશની દરિયાઈ સરહદોની સુરક્ષાથી લઈને દરિયામાં રાહત અને બચાવ કામગીરીની તમામ જવાબદારી દેશના તટરક્ષક દળ (કોસ્ટ ગાર્ડ) સંભાળે છે. દેશભરમાં ભારતીય તટરક્ષક દળ દિવસ દર વર્ષે 1 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે. આ વર્ષે 48મો તટરક્ષક દળ દિવસ છે. ભારતીય કોસ્ટ ગાર્ડ સંરક્ષણ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

 

  • તટરક્ષક દળની સ્થાપનાનો ઈતિહાસ

ભારતીય નૌકાદળ 1960ના દાયકાથી ભારતીય જળસીમામાં દરિયાઈ કાયદાનો અમલ કરવા અને તેના ઉપક્રમોની સલામતીની જવાબદારી નિભાવવા માટે એક સહાયક સંસ્થાની સ્થાપના માટે માંગણી કરી રહી હતી. નૌકાદળની આ માંગને ભારત સરકારે સ્વીકારી લીધી. જેનું એક મહત્વનું કારણ દરિયાઈ દાણચોરીને અટકાવવાનું પણ હતું.

ઇ.સ. 1960ના દાયકા દરમિયાન રાષ્ટ્રીય અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચાડતી દરિયાઈ દાણચોરી તેની ટોચ પર હતી. કસ્ટમ્સ અને ફિશરીઝની એજન્સીઓ માર્યાદિત ક્ષમતા સાથે પૂરતા પ્રયાસો કરતી હતી. આમ છતાં પણ વિશાળ દરિયાઈ સીમાનો ગેરલાભ ઉઠાવીને દાણચોરો ગેરકાયદે દાણચોરી-પ્રવૃતિને અંજામ આપતા હતા. દાણચોરીની વધતી જતી સમસ્યાનો સામનો કરવા માટે ઈ.સ. 1970માં નાગ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. સમિતિએ તેની ભલામણમાં દાણચોરીની પ્રવૃત્તિઓનો સામનો કરવા માટે એક અલગ દરિયાઈ દળની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

સરકારે સપ્ટેમ્બર, 1974માં ભારતીય પોલીસ સેવાના કે. એફ. રૂસ્તમજી (ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ની અધ્યક્ષતામાં એક સમિતિની નિમણૂક કરી. સમિતિનું કાર્ય દાણચોરી અને ગેરકાયદેસર દરિયાઈ પ્રવૃત્તિઓને રોકવામાં વર્તમાન વ્યવસ્થાની ખામીઓને ઉજાગર કરવાનું અને ભારતના દરિયાઈ સંસાધનોના રક્ષણ માટેના પગલાં સૂચવવાનું હતું. સમિતિએ ઈ.સ. 1975માં તેના અહેવાલમાં દરિયાઈ વિસ્તારની સંભાળ અને સંરક્ષણ માટે કોસ્ટ ગાર્ડ જેવી સંસ્થાની સ્થાપના કરવાની ભારપૂર્વક ભલામણ કરી હતી.

ઈ.સ. 1977માં, કેન્દ્રીય કેબિનેટે ભારતીય નૌકાદળમાંથી સ્થાનાંતરિત બે જહાજો અને પાંચ પેટ્રોલિંગ બોટ સાથે કોસ્ટ ગાર્ડની સ્થાપનાની મંજૂરી આપી. આ રીતે 1 ફેબ્રુઆરી, 1978ના રોજ ભારતીય કોસ્ટ ગાર્ડ ભારતના જળચર અને વિશિષ્ટ આર્થિક ક્ષેત્રની દેખરેખ માટે માત્ર સાત જહાજોના કાફલા સાથે અસ્તિત્વમાં આવ્યું. 19 ઓગસ્ટ, 1978ના રોજ ભારતના તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ ભારતીય કોસ્ટ ગાર્ડનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું હતું.

  • ભારતીય તટરક્ષક દળના જવાનોને રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલ અને તટરક્ષક મેડલ અર્પણ

75મા પ્રજાસત્તાક દિવસના અવસરે ભારતના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ એ ભારતીય તટરક્ષક દળમાં ઉત્કૃષ્ટ ફરજ નિભાવતા જવાનોને તેમની વિશિષ્ટ કામગીરી માટે પ્રતિષ્ઠિત રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલ અને તટરક્ષક મેડલ અર્પણ કર્યા હતા. જેમાં વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ તટરક્ષક મેડલ IG ભીષ્મ શર્માને આપવામાં આવ્યો હતો. વીરતા માટે તટરક્ષક મેડલ Comdt સુનિલ દત્ત અને Comdt (JG) સૌરભને તેમજ ગુણવત્તાપૂર્ણ સેવા માટે તટરક્ષક મેડલ DIG અનિલ કુમાર પારાયિલ, DIG જમાલ તાહા અને દિપક રોયને અર્પણ કરવામાં આવ્યા હતા.

  • ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ટીમનો માનવીય અભિગમ

તાજેતરમાં દ્વારકાના દરિયામાં ૪૦ કિલોમીટર દૂર સિધેશ્વરી નામની બોટ દરિયામાં માછીમારી કરવા ગઈ હતી. આ બોટમાં માછીમાર મનુ આલા મકવાણા નામના માછીમારનો પગ માછીમારીની જાળ દરિયામાં ફેંકતા સમયે ઝાળની સાથે બાંધવામાં આવેલ લોખંડી વાયરમાં ફસાઈ જતા પગમાં ગંભીર ઈજા થઇ હતી. આ બાબતે જાણ થતા જ ભારતીય કોસ્ટગાર્ડ એક્શનમાં આવ્યું. ICG એર એન્કલેવ પોરબંદરથી ICG એડવાન્સ લાઈટ હેલિકોપ્ટર લઈ ઘટનાસ્થળે પહોંચીને માછીમારને એરલિફ્ટ કરીને હેલિકોપ્ટરમાં લાવવામાં આવ્યા હતા. બાદમાં આઇસીજી એચક્યુ ૧૫ ઓખા ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આપવામાં આવી હતી. વધુ સારવાર અર્થે દ્વારકા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ત્યાંથી જામનગરની જીજી હોસ્પિટલ ખાતે રીફર કરાયા હતા. આમ, કોસ્ટગાર્ડના જવાનોએ ઈજાગ્રસ્ત માછીમારને એરલિફ્ટ કરીને સારવારમાં ખસેડી, તેનો જીવ બચાવીને માનવીય અભિગમ દાખવ્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code