
ભારતીય મૂળના પરાગ અગ્રવાલ ટ્વિટરના આગામી CEO બનશે,સહ-સ્થાપક જેક ડોર્સીએ આપ્યું રાજીનામું
- જેક ડોર્સીએ ટ્વિટરના CEO પદેથી આપ્યું રાજીનામું
- ટ્વિટ કરીને આપી માહિતી
- ભારતીય મૂળના પરાગ અગ્રવાલ બનશે નવા વડા
Twitter Incના સહ-સ્થાપક અને CEO જેક ડોર્સીએ સોમવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ડોર્સીએ તેના ટ્વિટર પેજ પર પોસ્ટ કરેલા પત્રમાં લખ્યું છે કે,તે કંપની છોડવાથી ખૂબ જ દુઃખી છે, પરંતુ તે ખૂબ જ ખુશ પણ છે અને તે તેનો પોતાનો નિર્ણય છે. એમ પણ કહ્યું કે,કંપનીમાં કો-ફાઉન્ડરથી CEO, પછી ચેરમેન, એક્ઝિક્યુટિવ ચેરમેન, વચગાળાના-CEO થી CEO સુધીના લગભગ 16 વર્ષ સુધી કામ કર્યા પછી, મેં નક્કી કર્યું કે,આખરે મારા માટે છોડવાનો સમય આવી ગયો છે. પરાગ અગ્રવાલ આગામી CEO બની રહ્યા છે. ડોર્સી 2022માં તેમનો કાર્યકાળ પૂરો થાય ત્યાં સુધી બોર્ડમાં રહેશે.
નવા સીઈઓ તરીકે નિયુક્ત થયા બાદ ટ્વિટરના સીટીઓ પરાગ અગ્રવાલે કહ્યું કે,તેઓ તેમની નિમણૂકથી ખૂબ જ સન્માનિત અને ખુશ છે અને ડોર્સીના “સતત માર્ગદર્શન અને મિત્રતા” માટે તેમનો આભાર વ્યક્ત કર્યો. IIT-Bombay અને Stanford University ના ભૂતપૂર્વ વિદ્યાર્થી પરાગ અગ્રવાલ 2011 થી Twitter પર કામ કરી રહ્યા છે અને 2017 થી કંપનીના CTO છે. જ્યારે તે કંપનીમાં જોડાયા ત્યારે ટ્વિટરના કર્મચારીઓની સંખ્યા 1,000થી ઓછી હતી.
not sure anyone has heard but,
I resigned from Twitter pic.twitter.com/G5tUkSSxkl
— jack⚡️ (@jack) November 29, 2021
રવિવારે ડોર્સીએ ટ્વીટ કર્યું હતું કે,આઈ લવ ટ્વિટર.ડોર્સી સ્ક્વેર નામની અન્ય કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ પણ છે. તેમણે આ નાણાકીય ચુકવણી સેવા પ્રદાતા કંપનીની સ્થાપના કરી હતી. કેટલાક મોટા રોકાણકારોએ ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ડોર્સી બંને કંપનીઓને અસરકારક રીતે કેવી રીતે દોરી શકે છે.