ભારતીય પાસપોર્ટની તાકાતમાં વધારો: ગ્લોબલ રેન્કિંગમાં 5 સ્થાનનો ઉછાળો
નવી દિલ્હી, 15 જાન્યુઆરી 2026: ભારતીય પ્રવાસીઓ માટે સારા સમાચાર છે. વર્ષ 2026માં ભારતીય પાસપોર્ટની ગ્લોબલ રેન્કિંગમાં પાંચ સ્થાનનો સુધારો જોવા મળ્યો છે. જાહેર કરાયેલા ‘હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ’ મુજબ, ભારત હવે વિશ્વમાં 80માં ક્રમે છે. આ ક્રમ પર ભારતની સાથે અલ્જીરિયા અને નાઈજર પણ સામેલ છે. નવા રેન્કિંગ બાદ હવે ભારતીય પાસપોર્ટ ધારકો વિશ્વના 55 દેશોમાં પૂર્વ વિઝા વગર, વિઝા-ઓન-અરાઈવલ અથવા ETA (ઈલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઈઝેશન) સુવિધા સાથે મુસાફરી કરી શકશે.
-
સિંગાપોર ફરી ટોચ પર, જાપાન અને દક્ષિણ કોરિયાનો દબદબો
લિસ્ટમાં સિંગાપોર પ્રથમ સ્થાને યથાવત રહ્યું છે, જેના નાગરિકો વિશ્વના 192 દેશોમાં વિઝા વગર મુસાફરી કરી શકે છે. જાપાન (188 દેશો) અને દક્ષિણ કોરિયા પણ ટોચના દેશોમાં સામેલ છે. આ રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે જે દેશની આર્થિક શક્તિ વધુ છે, તેના નાગરિકોને મુસાફરીની આઝાદી પણ વધુ મળે છે. ટોચના 10 સ્થાનોમાં મોટાભાગના યુરોપિયન દેશો છે, જેમના નાગરિકો 180થી વધુ દેશોમાં મુક્તપણે ફરી શકે છે.
-
ભારતીયો ક્યાં જઈ શકશે ?
ભારતીય પ્રવાસીઓ દક્ષિણ-પૂર્વ એશિયા, આફ્રિકા, કેરેબિયન અને કેટલાક ટાપુ દેશોમાં વિઝા વગર જઈ શકે છે. જોકે, યુરોપ, બ્રિટન, અમેરિકા, કેનેડા અને પૂર્વી એશિયાના વિકસિત દેશોમાં જવા માટે ભારતીયોએ હજુ પણ અગાઉથી વિઝા મેળવવા અનિવાર્ય છે.
આ યાદીમાં ટોચ ઉપર સિંગાપોર, જાપાન, સ્પેન, સ્વીડન અને સ્વિટઝરલેન્ડ છે. જ્યારે સૌથી નબળા પાસપોર્ટમાં અફઘાનિસ્તાનનો સમાવેશ થાય છે. યુએસ પાસપોર્ટ ફરીથી ટોચના 10માં સામેલ થયો છે, પરંતુ અગાઉના વર્ષોની સરખામણીએ તેની સુવિધાઓમાં થોડો ઘટાડો થયો છે. સંયુક્ત આરબ અમીરાત પાંચમા સ્થાને પહોંચી ગયું છે. 2006 થી અત્યાર સુધીમાં તેણે 149 નવા દેશો સાથે વિઝા ફ્રી સમજૂતી કરી છે. ચીની પાસપોર્ટ 59માં સ્થાને છે, જ્યાંના નાગરિકો 81 દેશોમાં વિઝા વગર જઈ શકે છે.
-
પાસપોર્ટ એ આર્થિક તકનું દ્વાર
હેનલે એન્ડ પાર્ટનર્સના ચેરમેન ડો. ક્રિશ્ચિયન એચ. કેલિને જણાવ્યું હતું કે, “છેલ્લા 20 વર્ષોમાં મુસાફરીની સુવિધા વધી છે, પરંતુ તેનો ફાયદો માત્ર સ્થિર અને મજબૂત અર્થતંત્ર ધરાવતા દેશોને જ મળ્યો છે. આજની દુનિયામાં પાસપોર્ટની તાકાત વ્યક્તિની સુરક્ષા અને આર્થિક ભાગીદારી નક્કી કરે છે.”
આ પણ વાંચોઃતેહરાને ટ્રમ્પ પરના હુમલાની તસવીર શેર કરી, આ વખતે નિશાન ચૂકશે નહીં


