
ભારતીય શેરબજાર લીલા નિશાન સાથે ખૂલ્યું
મુંબઈઃ ભારતીય શેરબજારો આજે વધારા સાથે ખૂલ્યા હતા. મુંબઈ શેરબજારનો સેન્સેકસ ગઈકાલના 75,390 પોઈન્ટના બંધ સામે 195 પોઈન્ટ વધીને 75,585 પોઈન્ટ પર ખૂલ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 45 પોઈન્ટના વધારા સાથે ગઈકાલના 22,932 સામે 22,977 પોઈન્ટ પર ખૂલ્યો હતો.
જોકે, સૂચકાંકોમાં નોંધાયેલો વધારો વોલેટાલિટીને લીધે ધોવાઈ ગયો હતો. આજે મેટલ્સ શેરોમાં તેજી જોવા મળી રહી છે. હિન્ડાલ્કો, જેએસ ડબલ્યુ સ્ટીલ સહિત વિપ્રો, શ્રી રામ ફાઈનાન્સના શેરોના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. જ્યારે બ્રિટાનીયા, મારુતિ, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ તથા બીપીસીએલના શેરોમાં ઘટાડો નોંધાયો હતો.
લોકસભાની ચૂંટણી હાલ અંતિમ તબક્કામાં પ્રવેશી ચુકી છે. 1લી જુનના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાશે. જ્યારે તા. 4 જૂનના રોજ મતગણતરી યોજાશે. એટલે લોકસભાની ચૂંટણી ઉપર પણ બજારની નજર હોવાનું મનાઈ રહ્યું છે.