
પાપુઆ ન્યુ ગિનીમાં સતત થઈ રહેલા ભૂસ્ખલનમાં 2 હજારથી વધુ લોકો દટાયાની આશંકા
નવી દિલ્હીઃ પાપુઆ ન્યુ ગિનીના કાઓકલામ ગામમાં થયેલા ભૂસ્ખલનમાં 2 હજારથી વધુ લોકો દટાયાની આશંકા સેવાઈ રહી છે. એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની સરકારે પોતે આ અંગે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ને જાણ કરી છે.
ઓસ્ટ્રેલિયન મીડિયા ABC અનુસાર, પાપુઆ ન્યૂ ગિનીની રાજધાની પોર્ટ મોરેસ્બીથી લગભગ 600 કિલોમીટર દૂર એન્ગા પ્રાંતના ગામમાં 24 મેના રોજ સવારે 3 વાગ્યે ભૂસ્ખલન થયું હતું. છેલ્લા 4 દિવસથી ત્યાં સતત ભૂસ્ખલન થઈ રહ્યું છે.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, કાઓકલમમાં માઉન્ટ મુંગલો પર્વતનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે કાટમાળ ગામમાં પડ્યો હતો. તેમણે કહ્યું કે તે સમયે આખું ગામ સૂઈ રહ્યું હતું તેથી તેમને ભાગવાનો મોકો ન મળ્યો.
પાપુઆ ન્યુ ગિનીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અનુસાર, ત્યાં ખેતીને સૌથી વધુ નુકસાન થયું છે, જેના કારણે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ છે. કાઓકલમ તરફ જતો રસ્તો પણ બંધ છે. અધિકારીઓએ યુએનને જણાવ્યું કે ત્યાં હજુ પણ ભૂસ્ખલન થઈ રહ્યું છે. જેના કારણે રેસ્ક્યુ ટીમ અને ત્યાં હાજર લોકોના જીવ પર ખતરો વધી ગયો છે. લોકોને બચાવવા માટે સેના પણ મોકલવામાં આવી છે.