
નવી દિલ્હીઃ આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ અંગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના મહાનિરેદેશક ડો. મૃત્યુંજય મહાપાત્રાએ જણાવ્યું હતું કે આ વર્ષે સામાન્ય કરતા વધુ વરસાદ થવાની શકયતા છે. તેમજ જૂન થી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં સારો વરસાદ થશે. મધ્ય ભારત અને દક્ષિણી પ્રાયદ્વીપમાં સામાન્ય કરતા વધુ વરસાદ થશે. દક્ષિણ પશ્ચિમી ચોમાસા દરમિયાન 106 ટકા વરસાદ નોંધાવાનું અનુમાન છે. તો પૂર્વોત્તર ભારતમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહેશે.
આગામી પાંચ દિવસમાં ચોમાસું કેરળ પહોંતે તેવી સાનુકૂળ પરિસ્થિતિ છે. જોકે દેશના ઘણા ભાગમાં ગરમીનો કહેર ઓછું થવાનો નામ નથી લઈ રહ્યો. રાજસ્થાનનું ફલોદી 49. 4ડિગ્રી તાપમાન સાથે દેશમાં સૌથી ગરમ રહ્યું હતું. તો જમ્મુ કાશ્મીર તેમજ ગુજરાતમાં પણ લૂની પરિસ્થિતિ છે. તો દિલ્લીના મુંગેશપુરમાં 48 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અતિસય ગરમીની પરિસ્થિતિમાં લોકોને સ્વાસથ્યની જાળવણી કરવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે.
આગ્રામાં ગરમીએ એક જ વર્ષમાં પાંચ વખત રેકોર્ડ તોડ્યો છે. આગ્રા ઉત્તરપ્રદેશનું બીજું સૌથી ગરમ શહેર હતું. અહીં તાપમાનનો પારો 47.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો હતો. આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. મે મહિનાના અંતિમ સપ્તાહના પ્રથમ દિવસે રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી. સોમવાર છેલ્લા 26 વર્ષમાં બીજો સૌથી ગરમ દિવસ હતો. સ્થિતિ એવી હતી કે સવારે 8 વાગ્યે સૂર્યના કિરણોની ગરમીએ મોર્નિંગ વોક કરનારાઓને બેચેન બનાવી દીધા હતા. હવામાન વિભાગના આગાહી કેન્દ્ર અનુસાર, દિવસ અને રાત્રિના તાપમાનમાં વધારાને ધ્યાનમાં રાખીને આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ વર્ષે ગરમીએ એક જ મહિનામાં પાંચ વખત ગરમીનો રેકોર્ડ તોડ્યો હતો. મહત્તમ તાપમાનનો રેકોર્ડ તોડવામાં હજુ 1 ડિગ્રી સેલ્સિયસ ઓછો હોવા છતાં, મે 2024નું નામ બીજા, ત્રીજા, ચોથા અને છઠ્ઠા અને સાતમા સૌથી ગરમ દિવસોમાં ઉમેરાઈ ગયું છે. સવારે 8 વાગ્યે તાપમાન 36 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. સવારે 9 વાગ્યે મહત્તમ તાપમાન 39 ડિગ્રી, સવારે 10 વાગ્યે 41, 11 વાગ્યે 43, 12 વાગ્યે 44, બપોરે 1 વાગ્યે 45 અને બપોરે 2 વાગ્યે 47 ડિગ્રીએ પહોંચી ગયું હતું. 5 વાગ્યા બાદ મહત્તમ તાપમાનનો પારો 1-1 ડિગ્રી નીચે આવવા લાગ્યો હતો.