અમેરિકામાં ભારતીય કાપડ પર હવે નહીં લાગે ટેક્સ, ઝીરો ડ્યુટીનો મળશે લાભ
નવી દિલ્હી, 12 ફેબ્રુઆરી 2026: ભારતીય કાપડ ઉદ્યોગ અને નિકાસકારો માટે અમેરિકાથી રાહતભર્યા સમાચાર આવ્યા છે. લાંબા સમયથી એવી ચિંતા હતી કે અમેરિકાના બજારમાં બાંગ્લાદેશને મળતી ટેક્સ મુક્તિને કારણે ભારત પાછળ રહી જશે, પરંતુ હવે વાણિજ્ય મંત્રાલયે સંકેત આપ્યા છે કે, ભારતને પણ બાંગ્લાદેશની જેમ ઝીરો-ડ્યુટી એટલે કે શૂન્ય નિકાસ શુલ્કનો લાભ મળશે.
વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોમાં એક મહત્વની સહમતી સધાઈ છે. આ નવી વ્યવસ્થા મુજબ, જો ભારતીય કાપડ ઉત્પાદકો અમેરિકાથી કપાસ (કોટન) ખરીદે છે અને તેમાંથી કપડાં તૈયાર કરીને પાછા અમેરિકા નિકાસ કરે છે, તો તેના પર કોઈ પણ પ્રકારની ઇમ્પોર્ટ ડ્યુટી (આયાત શુલ્ક) લાગશે નહીં. આને ‘રેસિપ્રોકલ ટેરિફ’ એટલે કે પારસ્પરિક શુલ્ક લાભ તરીકે જોવામાં આવે છે. આ નિર્ણયથી અમેરિકાના બજારમાં ભારતીય કપડાં બાંગ્લાદેશ અને અન્ય દેશોની સરખામણીએ વધુ સ્પર્ધાત્મક બનશે.
આ વેપાર કરારને લઈને સંસદમાં રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો હતો. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે, અમેરિકા સાથેના કરારમાં ભારત કરતા બાંગ્લાદેશને વધુ સારી શરતો મળી છે. આ દાવા પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આકરા પ્રહારો કર્યા હતા.
પીયૂષ ગોયલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, “સંસદમાં વિપક્ષ દ્વારા જૂઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે. હકીકત એ છે કે જે રીતે બાંગ્લાદેશને અમેરિકી કાચો માલ વાપરવા પર ઝીરો ટેરિફની સુવિધા મળી છે, તેવી જ સુવિધા ભારતને પણ મળશે.” તેમણે ઉમેર્યું કે હાલ આ કરારનું માળખું (ફ્રેમવર્ક) તૈયાર થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં બધી શરતો વિગતવાર જાહેર કરવામાં આવશે.
મુક્ત વ્યાપાર કરારને લઈને ભારતીય ખેડૂતોમાં હંમેશા ડર રહે છે કે, વિદેશી ખેતીવાડી પેદાશો આવવાથી સ્થાનિક બજારને નુકસાન થશે. આ બાબતે આશ્વાસન આપતા પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત સરકાર ખેડૂતોના હિતો પ્રત્યે સજાગ છે. આ કરારમાં ભારતમાં પેદા થતા 90 થી 95 ટકા કૃષિ ઉત્પાદનોને બહાર રાખવામાં આવ્યા છે, જેથી અમેરિકી કૃષિ ઉત્પાદનોની ભારતમાં ‘બાઢ’ નહીં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે 9 ફેબ્રુઆરી 2026ના રોજ અમેરિકા અને બાંગ્લાદેશના સંયુક્ત નિવેદનમાં જાહેરાત કરવામાં આવી હતી કે અમેરિકા બાંગ્લાદેશી સામાન પર ટેરિફ ઘટાડીને 19 ટકા કરશે અને અમેરિકી કોટનમાંથી બનેલા કપડાં માટે ‘ઝીરો-ડ્યુટી’ એક્સેસ આપશે. આ જાહેરાત બાદ ભારતીય ટેક્સટાઇલ માર્કેટમાં અસમંજસની સ્થિતિ હતી, જે હવે સરકારની સ્પષ્ટતા બાદ દૂર થઈ છે.
(PHOTO-FILE)
આ પણ વાંચોઃ ગાંધીનગરના સરિતા ઉદ્યાન પાસે બુલેટે બાઈકને ટક્કર મારતા બાઈકસવાર બેના મોત


