
શ્રીલંકા સામે ભારતનો શાનદાર વિજય, શ્રીલંકાને 302 રને હરાવી ભારતે કર્યો સેમિફાયનલમાં પ્રવેશ
મુંબઈઃ આઈસીસી વિશ્વકપ-2023માં ભારતીય ટીમે શ્રીલંકાને 302 રને પરાજ્ય આપીને સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સેમીફાઈનલમાં પહોંચનારી ભારતીય ટીમ પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં શ્રીલંકાને 302 રને પરાજય આપી ભારતે સતત સાતમી જીત મેળવી છે. ભારતના સાત મેચમાં સાત જીત સાથે 14 પોઈન્ટ થઈ ગયા છે અને તે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. મુંબઈના વાનખેડેમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 7 વિકેટે 357 રન ફટકાર્યા હતા. જેના જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શમીએ પાંચ વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપમાં શ્રીલંકાને 302 રને હરાવ્યું હતું. વર્લ્ડ કપના ઈતિહાસમાં ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. ભારતે 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. ટીમે 2007માં બર્મુડાને 257 રનથી હરાવ્યું હતું. ભારતે આ વર્લ્ડ કપમાં સતત સાતમી મેચ જીતી છે અને સેમિફાઈનલમાં પોતાનું પ્રથમ સ્થાન મેળવ્યું છે. ભારતના 7 મેચમાં 14 પોઇન્ટ્સ છે અને ટીમ ટુર્નામેન્ટમાં અજેય છે.
ભારતે આપેલા મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકન ટીમનો ધબડકો થયો હતો. પ્રથમ બોલ પર જસપ્રીત બુમરાહે પથુમ નિસંકા (0) ને LBW આઉટ કર્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં મોહમ્મદ સિરાજે દિમુથ કરૂણારત્ને (0) ને LBW આઉટ કરી ભારતને પ્રથમ સફળતા અપાવી હતી. સિરાજે ઓવરના પાંચમાં બોલ પર સદીરા સમરવિક્રમાને પણ આઉટ કરી શ્રીલંકાને ત્રીજો ઝટકો આપ્યો હતો. ચોથી ઓવરમાં સિરાજે ફરી ધમાકો કર્યો અને કુસલ મેન્ડિસ (1) ને ક્લિન બોલ્ડ કર્યો હતો. શ્રીલંકાએ 3 રનમાં ચાર વિકેટ ઝડપી હતી.
મોહમ્મદ શમી પાવરપ્લેની છેલ્લી ઓવરમાં બોલિંગ કરવા આવ્યો હતો. શમીએ શરૂઆતી ચાર બોલમાં બે બેટરોને આઉટ કરી શ્રીલંકાની કમર તોડી નાખી હતી. શમીએ ચરિથ અસલંકા (1) ને કેચઆઉટ કરાવ્યો હતો. અસલંકા 24 બોલનો સામનો કરી આઉટ થયો હતો. ત્યારબાદ શમીએ દશુન હેમંથાને પણ રાહુલના હાથે કેચઆઉટ કરાવ્યો હતો. ત્યારબાદ શમીએ ચમિરા (0) ને આઉટ કરી ભારતને સાતમી સફળતા અપાવી હતી. શ્રીલંકાની ટીમે 29 રન પર આઠમી વિકેટ ગુમાવી હતી. એન્જેલો મેથ્યૂઝ 12 રન બનાવી શમીનો શિકાર બન્યો હતો. શમીએ રજિથાને આઉટ કરી પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ 18 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી. આ સાથે સિરાજને 3, બુમરાહ અને જાડેજાને 1-1 વિકેટ મળી હતી.
મોહમ્મદ શમીએ વિશ્વકપ 2023માં માત્ર ત્રીજી મેચ રમી છે અને ધમાલ મચાવી દીધો છે. શમીએ ત્રણ મેચમાં બીજીવાર પાંચ વિકેટ લીધી છે. આ સાથે મોહમ્મદ શમીની વિશ્વકપમાં 45 વિકેટ થઈ ગઈ છે. મોહમ્મદ શમી વિશ્વકપમાં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય બોલર બની ગયો છે. આ સાથે શમીએ વિશ્વકપના ઈતિહાસમાં ત્રીજીવાર એક ઈનિંગમાં પાંચ કે તેનાથી વધુ વિકેટ લીધી છે. શમીએ મિચેલ સ્ટાર્કના રેકોર્ડની બરોબરી કરી છે. મિચેલ સ્ટાર્કે વિશ્વકપમાં ત્રણ વખત પાંચ કે તેનાથી વધુ વિકેટ લીધી છે.