વૈશ્વિક ફિનટેક માર્કેટમાં ભારતનો દબદબો: બેંગલુરુ ફિનટેક હબ તરીકે યથાવત
મુંબઈ, 16 જાન્યુઆરી 2026: વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતનું ફિનટેક સેક્ટર રોકાણકારો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. માર્કેટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ ‘ટ્રેક્સન’ (Tracxn) ના તાજેતરના રિપોર્ટ અનુસાર, વર્ષ 2025 માં ભારતીય ફિનટેક ક્ષેત્રે કુલ 2.4 બિલિયન ડોલર (અંદાજે રૂ. 20,000 કરોડથી વધુ) નું ભંડોળ એકત્ર કર્યું છે. આ આંકડો 2024 ના 2.3 બિલિયન ડોલર કરતા 2 ટકા વધુ છે. આ સાથે ભારત અમેરિકા અને બ્રિટન પછી વિશ્વમાં ત્રીજા ક્રમનું સૌથી મોટું ફિનટેક ઇકોસિસ્ટમ ધરાવતો દેશ બની ગયો છે.
રિપોર્ટના સૌથી મહત્વના પાસા મુજબ, અર્લી સ્ટેજ ફંડિંગ (શરૂઆતના તબક્કાનું રોકાણ) માં વર્ષ 2025 માં મોટો વધારો જોવા મળ્યો છે.
અર્લી સ્ટેજ: 2025 માં 1.2 બિલિયન ડોલરનું રોકાણ આવ્યું, જે 2024 ના 667 મિલિયન ડોલરની સરખામણીએ 78 ટકાનો વધારો દર્શાવે છે.
સીડ સ્ટેજ: જોકે, સીડ સ્ટેજ ફંડિંગમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે, જે 177 મિલિયન ડોલર રહ્યું હતું.
લેટ સ્ટેજ: અંતિમ તબક્કાના મોટા રોકાણોમાં પણ 26 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટીને 1 બિલિયન ડોલર પર પહોંચ્યું છે.
ફિનટેક ફર્મ્સને મળતા કુલ ફંડિંગમાં બેંગલુરુ 42 ટકા હિસ્સા સાથે ભારતનું નંબર-1 ફિનટેક હબ રહ્યું છે. જ્યારે આ યાદીમાં મુંબઈ 29 ટકા સાથે બીજા સ્થાને છે. આ બે શહેરો ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમની પરિપક્વતા દર્શાવે છે.
વર્ષ 2025 માં ભારતે ફિનટેક સેક્ટરમાં 3 નવા યુનિકોર્ન (એક અબજ ડોલરથી વધુ મૂલ્ય ધરાવતી કંપનીઓ) આપ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ 50 ટકા વધુ છે. જોકે, એક્ઝિટ માર્કેટમાં થોડી નરમાશ જોવા મળી છે. 2025 માં આ સેક્ટરમાં 4 આઈપીઓ નોંધાયા હતા, જે 2024 માં 8 હતા.
ટ્રેક્સનના સહ-સ્થાપક નેહા સિંહે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે ફંડિંગમાં નરમાશ હોવા છતાં ભારતનું ફિનટેક સેક્ટર મજબૂત ટકી રહ્યું છે. અર્લી સ્ટેજમાં વધતી પ્રવૃત્તિ અને નવા યુનિકોર્નનું આગમન રોકાણકારોના અતૂટ વિશ્વાસને દર્શાવે છે. આગામી સમયમાં અમે વધુ ટેકનિકલ ઈનોવેશન અને મજબૂત ભાગીદારીની અપેક્ષા રાખીએ છીએ.” નોંધનીય છે કે 2025 માં ફિનટેક ક્ષેત્રે 100 મિલિયન ડોલરથી વધુના 4 મોટા ફંડિંગ રાઉન્ડ થયા હતા, જેનું નેતૃત્વ મુખ્યત્વે બ્રોકરેજ અને ફાઇનાન્સ પ્લેટફોર્મ્સે કર્યું હતું.


