ગ્લોબલ બન્યું ભારતનું UPI: આ 8 દેશોમાં ચાલશે તમારું ડિજિટલ વોલેટ
નવી દિલ્હી, 11 ફેબ્રુઆરી 2026: ભારતનું સ્વદેશી ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) હવે માત્ર દેશ પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ વિશ્વભરમાં તેનો ડંકો વાગી રહ્યો છે. ભારતીય પ્રવાસીઓ માટે હવે વિદેશમાં શોપિંગ, રેસ્ટોરન્ટ અને અન્ય વ્યવહારો માટે કરન્સી એક્સચેન્જ કે રોકડ રાખવાની જરૂરિયાત ઘટી રહી છે. હવે તમે વિદેશની ધરતી પર પણ માત્ર QR કોડ સ્કેન કરીને સીધું પેમેન્ટ કરી શકશો.
UPI ના વૈશ્વિક વિસ્તરણથી ખાસ કરીને ભારતીય પ્રવાસીઓ, વિદેશમાં વસતા ભારતીયો (NRI) અને વેપારીઓને મોટો ફાયદો થયો છે. આ સુવિધાને કારણે વિદેશી ધરતી પર લેવડ-દેવડ વધુ ઝડપી, સુરક્ષિત અને પારદર્શક બની છે. વિદેશી બેંકો અને સંસ્થાઓ સાથેના જોડાણને કારણે UPI હવે આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બની રહ્યું છે.
હાલમાં ભારત સિવાય નીચે મુજબના આઠ દેશોમાં તમે ભારતીય UPI એપ (જેમ કે PhonePe, Google Pay, BHIM) દ્વારા સીધું પેમેન્ટ કરી શકો છો. ભૂટાન UPI સ્વીકારનાર પ્રથમ પડોશી દેશ છે. નેપાળમાં પણ ભારતીય QR કોડ વ્યાપકપણે કાર્યરત છે. આ ઉપરાંત દુબઈ અને અબુધાબી જેવા શહેરોમાં શોપિંગ મોલ્સમાં આ સુવિધા ઉપલબ્ધ છે. તેમજ સિંગાપોરમાં પેનાઉ (PayNow) સાથેના જોડાણથી અહીં વ્યવહારો સરળ બન્યા છે. આવી જ રીતે મોરિશિયસમાં પ્રવાસીઓ માટે મનપસંદ સ્થળ એવા મોરિશિયસમાં પણ UPI ચાલે છે. ભારતના અન્ય પડોશી દેશ શ્રીલંકા પ્રવાસીઓ માટે હવે કેશલેસ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે. ફ્રાન્સમાં એફિલ ટાવર જેવી પ્રખ્યાત જગ્યાઓ પર હવે UPI સ્વીકાર્ય છે. તેમજ કતર તાજેતરમાં કતરમાં પણ UPI સેવાઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે UPI ની ઇન્ટરઓપરેબિલિટી સ્થાનિક પેમેન્ટ નેટવર્ક સાથે જોડાણ કરીને કામ કરે છે. જ્યારે કોઈ ભારતીય ગ્રાહક વિદેશમાં QR કોડ સ્કેન કરે છે, ત્યારે સિસ્ટમ આપોઆપ કરન્સી રેટની ગણતરી કરીને ભારતીય બેંક ખાતામાંથી રૂપિયા કાપી લે છે અને વેપારીને સ્થાનિક ચલણમાં નાણાં મળી જાય છે.
આ પણ વાંચોઃ આંખોને આંજી દેતી મોડીફાઈ કરેલી LED લાઈટ સાથે 250 વાહનો રાજકોટથી પકડાયા


