પાકિસ્તાનમાં મોંઘવારીનો વિસ્ફોટ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધતા મુસાફરી અને માલભાડામાં તોતિંગ વધારો
ઈસ્લામાબાદ, 5 એપ્રિલ 2026: આર્થિક પાયમાલીના આરે ઉભેલા પાકિસ્તાનમાં વધતી મોંઘવારીએ હવે સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. તાજેતરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલા અસહ્ય વધારા બાદ સમગ્ર દેશમાં મુસાફર ભાડા અને માલસામાનની હેરફેર (ફ્રેટ) ના દરોમાં 20 થી 65 ટકા સુધીનો ઝીંકાયેલો વધારો નોંધાયો છે. ખાસ કરીને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં આ વધારાની સૌથી ગંભીર અસર જોવા મળી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક મહિનામાં ઈંધણ અને ટ્રાન્સપોર્ટ ભાડામાં બે વખત ફેરફાર કરવામાં આવ્યા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ ઓનર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, માર્ચની શરૂઆતમાં 20 ટકાનો વધારો થયો હતો, પરંતુ એપ્રિલ 2026માં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 137.24 અને ડીઝલમાં 184.49 ના તોતિંગ વધારાએ સ્થિતિ અત્યંત ગંભીર બનાવી દીધી છે.
સરહદ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ ઊંડી ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, પાકિસ્તાનમાં પેટ્રોલની કિંમત 458.40 અને હાઈ-સ્પીડ ડીઝલની કિંમત 520.35 પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ છે. જેની અસર પરિવહન ઉપર પણ પડી રહી છે. દરમિયાન પંજાબ પ્રાંતમાં મુસાફર ભાડામાં 65 ટકા સુધીનો વધારો થઈ ચૂક્યો છે. તેમજ પાકિસ્તાન ગુડ્સ ટ્રાન્સપોર્ટર્સ ઓનર્સ એસોસિએશને માલભાડામાં 65 ટકાના વધારાની જાહેરાત કરી છે, જેનાથી બજારમાં દૂધ, શાકભાજી અને અનાજ જેવી ચીજવસ્તુઓ વધુ મોંઘી બનશે.
આ અસહ્ય ભાવવધારા સામે રાજકીય વિરોધ પણ તેજ બન્યો છે. અવામી નેશનલ પાર્ટીના કેન્દ્રીય અધ્યક્ષ આઈમલ વલી ખાને આ પગલાને ‘શરમજનક અને જનવિરોધી’ ગણાવ્યું છે. તેમણે આક્ષેપ કર્યો કે આ ભાવવધારો આંતરરાષ્ટ્રીય બજારને કારણે નહીં, પરંતુ સરકારની ખોટી ટેક્સ નીતિઓનું પરિણામ છે. ટ્રાન્સપોર્ટરોએ પણ આરોપ લગાવ્યો છે કે સરકાર કોઈ પણ પરામર્શ વગર અચાનક નિર્ણયો લાદી રહી છે, જેને કારણે ઓપરેટર્સ અને જનતા વચ્ચે ઘર્ષણની સ્થિતિ પેદા થાય છે.
મજૂર સંગઠનો અને હાઈડ્રો ઈલેક્ટ્રિક વર્કર્સ યુનિયનના મતે, પાકિસ્તાનમાં ગરીબ અને નિમ્ન મધ્યમ વર્ગ માટે હવે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવી પણ અશક્ય બની રહી છે. ઈંધણના ભાવ વધવાથી માત્ર મુસાફરી જ નહીં, પણ ઉદ્યોગો પર પણ નકારાત્મક અસર પડી છે, જેનાથી બેરોજગારી વધવાનો ભય સતાવી રહ્યો છે.


