
યુરોપમાં પણ મોંઘવારીનો માર, જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પડી રહી છે તકલીફ
- રશિયા-યુક્રેન વિવાદની સમગ્ર યુરો પર અસર
- મોંઘવારીનો માર યુરોપમાં પણ
- લોકોને જીવન જરૂરી વસ્તુ ખરીદવામાં પડી રહી છે તકલીફ
દિલ્હી: રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ શરૂ થતા યુરોપમાં આર્થિક અસરો શરૂ થતા જોવા મળી રહી છે. યુરોપમાં પણ અત્યારે મોંઘવારીનો માર છે અને મોટાભાગની જીવન-જરૂરી વસ્તુઓને ખરીદવામાં તકલીફ પડી રહી છે.
જો વાત કરવામાં આવે અનાજના ઉત્પાદનની તો સમગ્ર દુનિયામાં નિકાસ થતા સનફ્લાવર ઓઈલનો 46% હિસ્સો યુક્રેન અને 23% હિસ્સો રશિયા પહોંચાડે છે. રશિયા ઘઉંનું પણ સૌથી મોટું નિકાસકાર છે. આ બંને દેશ યુદ્ધમાં હોવાથી અન્ય દેશો પાસે બીજા વિકલ્પો પણ નથી.
મીડિયા રિપોર્ટ પ્રમાણે માર્ચમાં સ્પેનમાં જીવનજરૂરી ચીજવસ્તુઓમાં 9.8%નો વધારો થયો, જે 1985 પછી સૌથી મોટો વધારો છે. યુરોપના બીજા દેશોમાં પણ આવો જ માહોલ છે. વિશ્વ માંડ માંડ કોરોનાના સંકટમાંથી બહાર નીકળી રહ્યું હતું ત્યારે રશિયા યુક્રેન વચ્ચે વિવાદ થતા યુરોપમાં લોકોની હાલત વધારે ગંભીર બની રહી છે. આ યુદ્ધથી કોરોના મહામારીમાંથી બહાર આવવાનો પ્રયાસ કરી રહેલી દુનિયાને મોંઘવારીમાં ધકેલી દીધી છે. ખાવા-પીવાની ચીજોથી લઈને ઈંધણની કિંમતો આસમાને છે. મોંઘવારીના વિરોધમાં દેખાવ થઈ રહ્યા છે અને આ ચૂંટણી મુદ્દો બની રહ્યો છે. જર્મની, ઈટાલી અને સ્પેન સહિત અનેક યુરોપિયન દેશોમાં સનફ્લાવર ઓઈલ અને લોટનો જથ્થો ઘટી રહ્યો છે. એટલે લોકો ગભરાઈને ખરીદી કરી રહ્યા છે. સ્પેનમાં જરૂરી ચીજવસ્તુઓના વેચાણમાં 14% ઊછાળો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે રશિયા સસ્તા ખાતરનું સૌથી મોટું ઉત્પાદક છે. તેનાથી ખેતી પર અસર પડશે અને ખાદ્ય મોંઘવારી વધશે.