
સુરતના ડાયમંડ બુર્સમાં કુંભઘડાનું સ્થાપન, હવે વડાપ્રધાન મોદી 17મી ડિસેમ્બરે ઉદઘાટન કરશે
સુરતઃ શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા કુલ 983 નાના મોટા ઉદ્યોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં દશેરાના શુભદિને શાસ્ત્રોક્ત વિધિ-વિધાનથી કુંભઘડાનું સ્થાપન કર્યું હતું. ડાયમંડ બુર્સનું આગામી 17 ડીસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે ઉદઘાટન કરવામાં આવશે.
સુરત શહેર ડાયમંડ ઉદ્યોગનું હબ ગણાય છે. અને રોજબરોજ હીરાનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે. વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફીસ બિલ્ડીંગ તરીકે ખ્યાતિપ્રાપ્ત ખજોદ ખાતે નિર્માણ કરાયેલા ડાયમંડ બુર્સના ઉદઘાટનનું કાઉનડાઉન શરુ થઇ ગયું છે. આગામી 17મી ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવામાં આવશે. વિજયાદશમીના પાવન દિવસે ડાયમંડ બુર્સમાં ઓફીસ ધરાવતા કુલ ૯૮૩ નાના મોટા ઉઘોગકારો તેમના પરિવાર સાથે પોતાની ઓફિસમાં શાસ્ત્રોક્ત વિધિવિધાનથી કુંભ ઘડાનું સ્થાપન કર્યું હતું.
આ પ્રસંગે હીરા ઉઘોગકારો તેમજ સાંસદ સી.આર.પાટીલ, મંત્રી દર્શનાબેન જરદોશ પણ ઉપસ્થિત રહ્યા હતા, આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કરવામાં આવશે, દશેરાની લોકોને શુભેચ્છા આપતા દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતની શક્તિ વિશ્વસ્તરે ખુબ વધારી રહ્યા છે. આ ગ્લોબલી ઈમેજની અંદર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ ખુબ મોટું યોગદાન આપે છે. હીરા બુર્સ દુનિયાનું નંબર 1 હીરા બુર્સ બનવા જઈ રહ્યું છે. જેમાં હજાર જેટલા નાના-મોટા ઉદ્યોગકારોએ સામુહિક રીતે કુંભઘડો મુકી શુભ શરુઆત કરી હતી.
ડાયમંડ બુર્સમાં ઓફિસ ધરાવતા એક વેપારીએ જણાવ્યું હતું કે, ડાયમંડ બુર્સની ઓફિસોમાં કુંભ ઘડો મુકીને શુભ શરુઆત કરવામાં આવી છે, બધી ઓફિસો હવે શરુ થશે, એસડીબી વિશ્વનું સૌથી મોટું કોમર્શીયલ હબ થશે, દરમિયાન મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે સુરત ડાયમંડ બુર્સમાં દુનિયાના 175 દેશના ખરીદદારો આવશે. ભૂતકાળમાં 84 દેશના લોકો વેપાર કરવા આવતા હતા. ડાયમંડ બુર્સમાં દુનિયાના 175 દેશના બાયરો આવવાના છે.