ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરન્ડ જાહેર કર્યું, રશિયાએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હીઃ યુક્રેન સામેના યુદ્ધના એક વર્ષ બાદ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (આઈસીસી) રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર કર્યું છે. ICCના આ પગલાથી અમેરિકા, યુક્રેન સહિત તમામ પશ્ચિમી દેશો ભલે ખુશી વ્યક્ત કરી રહ્યા હોય પરંતુ રશિયાએ નારાજગી વ્યક્ત કરી છે. ક્રેમલિને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, મોસ્કો ઓર્ડરને માન્યતા આપતું નથી. જોઈએ કોની પાસે આટલી હિંમત છે? રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિએ પુતિનના સમર્થનમાં કહ્યું કે, તે અમારા માટે ટોયલેટ પેપર સિવાય બીજું કંઈ નથી.
ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે આઈસીસીના નિર્ણય બાદ જણાવ્યું હતું કે, “રશિયા, અન્ય ઘણા દેશોની જેમ, આ કોર્ટના અધિકારક્ષેત્રને માન્યતા આપતું નથી અને તેથી આ કોર્ટના નિર્ણય કાયદાકીય દૃષ્ટિકોણથી રદબાતલ છે.” રશિયા ICCનું સભ્ય નથી. રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ કહ્યું કે, આઈસીસીના નિર્ણયોનો રશિયા માટે કોઈ અર્થ નથી. “રશિયા ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટના રોમ કાનૂનનો પક્ષકાર નથી અને તેના હેઠળ તેની કોઈ જવાબદારી નથી.”
પુતિનનું નામ લીધા વિના, ઝાખારોવાએ કહ્યું, “રશિયા આ સંસ્થાને સહકાર આપતું નથી અને જ્યાં સુધી અમારો સંબંધ છે, આંતરરાષ્ટ્રીય કોર્ટમાંથી ધરપકડની સંભવિત ‘પ્રિસ્ક્રિપ્શન’ કાયદેસર રીતે અમાન્ય હશે.” ભૂતપૂર્વ રશિયન રાષ્ટ્રપતિ દિમિત્રી મેદવેદેવે ટ્વિટર પર વોરંટની તુલના ટોઇલેટ પેપર સાથે કરી હતી. ICC એ અગાઉ જાહેરાત કરી હતી કે, તેણે યુક્રેનિયન બાળકોના “ગેરકાયદે દેશનિકાલ” માટે પુતિન સામે ધરપકડ વોરંટ જારી કર્યું છે. કોર્ટે બાળકોના અધિકારો માટે રશિયાના રાષ્ટ્રપતિ કમિશનર મારિયા લ્વોવા-બેલોવા સામે પણ સમાન આરોપો પર વોરંટ જારી કર્યું હતું.