
અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહનું નિવેદન, અલ્લાહ પાકિસ્તાનની પ્રોડક્ટ નથી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમુરુલ્લાહ સાલેહ તાલિબાનને લઇને પાકિસ્તાન પર સતત પ્રહારો કરી રહ્યા છે. અમરુલ્લાહે ટ્વીટ કરીને તાલિબાન અને પાકિસ્તાનને આડે હાથ લીધું હતું. અમરુલ્લાહે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, હેરાત બુલા રહા હે. રાત્રે હેરાતે મોટા અવાજ અને બિલ્કુલ સ્પષ્ટ અલ્લાહ હુ અકબરના નારા લગાવ્યા. અલ્લાહ તાલિબાન આતંકીઓના હાથનું રમકડું નથી. હેરાત ગર્જના કરી રહ્યો છે. અલ્લાહ પાકિસ્તાનની પ્રોડક્ટ નથી.
હેરાતમાં તાલિબાન અને અફઘાન દળો વચ્ચે યુદ્વ છેડાયેલું છે. કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે સવારે લશ્કરબાગમાં અમેરિકાએ હવાઇ હુમલા કર્યા છે. હેરાતમાં તાલિબાનને થયેલા નુકસાનને લઇને જ અફઘાન ઉપરાષ્ટ્રપતિએ ટ્વીટ કરી છે.
અમેરિકી સૈનિકોની વાપસી બાદ તાલિબાનની વધતી તાકાત માટે અફઘાનિસ્તાન પાકિસ્તાનને જવાબદાર ઠેરવી રહ્યુ છે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ તાશંકદમાં પાકિસ્તાની પીએમ ઈમરાન ખાનની સામે કહ્યુ હતુ કે પાકિસ્તાને હજારો તાલિબાન લડાકુને અફઘાનિસ્તાનમાં મોકલ્યા છે.
શનિવારે પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીનુ એક નિવેદન ઘણુ વિવાદિત થઈ ગયુ હતુ. પાકિસ્તાની વિદેશ મંત્રીએ મુલ્તાનમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ હતુ કે તાલિબાન અફઘાનિસ્તાનમાં ઈસ્લામિક સ્ટેટને રોકવામાં સક્ષમ હશે.