
તાલિબાનને પાઠ ભણાવશે અમેરિકા, આતંકીઓનો ખાત્મો કરવા મોકલ્યું B—52 અને AC-130 વિમાનો
- તાલિબાનીઓને પાઠ ભણાવવા માટે અમેરિકા સજ્જ
- તાલિબાન આતંકીઓ પર બોમ્બમારો કરવા અમેરિકાએ B-52 બોમ્બર્સ મોકલ્યું
- સ્પેક્ટર ગનશીપ મોકલવાનો આદેશ અપાયો
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ ત્યાં તાલિબાન અનેક વિસ્તારમાં કબ્જો કરીને સતત આતંક ફેલાવી રહ્યા છે અને તાલિબાનનું વર્ચસ્વ ત્યાં સતત વધી રહ્યું છે. જો કે હવે તાલિબાનને પાઠ ભણાવવા માટે અમેરિકા સજ્જ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને તાલિબાન આતંકીઓ પર બોમ્બમારો કરવા માટે અફઘાનિસ્તાનમાં બી-52 બોમ્બર્સ અને સ્પેક્ટર ગનશીપ મોકલવાનો આદેશ આપ્યો હતો.
બી-52 બોમ્બર ઇતિહાસમાં પણ પોતાની ભૂમિકા ધરાવે છે. વર્ષ 1950ના દાયકામાં 70,000 પાઉન્ડના પેલોડ તેમજ 8,000 માઇલથી વધુ રેન્જ માટે તેનો ઉપયોગ કરાયો હતો.
બીજી બાજુ, એસ -130 સ્પેક્ટર ગનશીપની વાત કરીએ તો તેની પાસે 25 મીમી બંદૂક, 40 મીમી બોફોર્સ તોપ અને 105 મીમી એમ 102 તોપ છે, જેની મદદથી જ્યારે હવામાં હોય ત્યારે ધરતી પર સચોટ રીતે નિશાન બનાવી શકાય છે.
તાલિબાને શુક્રવારે નિર્મોઝ પ્રાંતની રાજધાની ઝરંજ અને શનિવારે જોઝજનના શેબર્ગન શહેર પર કબજો કર્યો. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળે છે કે તાલિબાને શેબરગનનો કબજો લીધા બાદ ત્યાંની જેલમાંથી કેદીઓને બહાર કાઢ્યા હતા.