
- અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ ચીન પર સાધ્યું નિશાન
- કહ્યું – વિશ્વભરમાં કોરોના વાયરસના સંક્રમણ માટે માત્રને માત્ર ચીન જ જવાબદાર
- ચીનની દાદાગીરીને કેવી રીતે જવાબ આપવો તે ભારત પાસેથી શીખવું જોઇએ
વોશિંગ્ટન: ચીનના ભારત સાથેના સંબંધો ઉપરાંત અમેરિકા સાથેના સંબંધોમાં પણ કડવાશ જોવા મળી રહી છે. આ વચ્ચે હવે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસના ચેપ માટે ચીનને દોષિત ઠેરવ્યું હતું. તેમણે ચીન પર આરોપ લગાવ્યો હતો કે ચીને સમગ્ર વિશ્વને આ મહામારીમાં ધકેલી દીધી અને પછી પોતાના આ કૃત્ય પર પરદો નાખવાના પ્રયાયો કર્યા.
એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે ભારતની સરહાના કરતા કહ્યું હતું કે ચીનને કેવી રીતે પાઠ ભણાવવો એ ભારત પાસેથી શીખવું જોઇએ. ભારતે ચીનની એપ્સ પર ડિજીટલ સ્ટ્રાઇક કરીને ચીનને જડબાતોડ જવાબ આપ્યો. ચીનની જોહુકમી અને દાદાગીરી સામે ભારતે વળતો પ્રહાર કરતા અસરકારક પગલાં લીધા. ચીનની દાદાગીરીનો કેવી રીતે જવાબ આપવો તે દરેક દેશે ભારત પાસેથી શીખવું જોઇએ.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે કોરોના વાયરસ માટે માત્રને માત્ર ચીન જ જવાબદાર છે. ચીનને પાઠ ભણાવવા વિશ્વના દેશોએ અમેરિકાને સાથ આપવો જોઇએ. ભારતની જેમ ઓસ્ટ્રેલિયાએ પણ ચીનને બરાબર જવાબ આપ્યો હતો. પોતાના ષડ્યંત્રને છૂપાવવા ચીને અસંખ્ય જૂઠ્ઠાણાં ફેલાવ્યા હતા. ચીન પર ભરોસો કરી શકાય નહીં. તે માટે ભારતે જેવા પગલાં લીધા તે પ્રકારના લશ્કરી અને આર્થિક પગલાં લેવા આવશ્યક છે.
(સંકેત)