
- ભારતમાં કૃષિ કાયદા વિરુદ્વ ચાલી રહેલું આંદોલન વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર
- હવે અમેરિકાની એક ફૂટબોલ લીગમાં ખેડૂત આંદોલનની જાહેરાતનું પ્રસારણ કરાયું
- પ્રસારણનો વીડિયો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર વાયરલ થયો હતો
વોશિંગ્ટન: ભારતમાં નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ચાલી રહેલું ખેડૂત આંદોલન હવે વિદેશોમાં પણ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જેને લઇને હાલમાં જ પોપ સ્ટાર સિંગર રિહાના, ગ્રેટા થનબર્ગ સહિત હસ્તીઓ દ્વારા ટ્વીટ બાદ હવે અમેરિકાની એક ફૂટબોલ લીગમાં ખેડૂત આંદોલનની જાહેરાતનું પ્રસારણ કરવામાં આવ્યું હતું.
અમેરિકાની લોકપ્રિય ફુટબોલ સુપર બાઉલ લીગ દરમિયાન ખેડૂત આંદોલનની જાહેરાત ચલાવવામાં આવી હતી. જેનો વીડિયો માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર પર વાયરલ થયો હતો.
સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવેલો આ વીડિયો 40 સેંકન્ડનો છે જેમાં ભારતને કૃષિ કાયદાઓ રદ કરવા કહેવામાં આવ્યું હતું. આ સિવાય વીડિયોમાં ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને ઇતિહાસનું સૌથી મોટુ પ્રદર્શન કહેવામાં આવ્યું હતું. વીડિયોમાં આંદોલનની કેટલીક તસવીરો જોડવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું કે અત્યાર સુધી 160થી વધુ ખેડૂતોની મોત થઇ ચૂકી છે, ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ વીડિયોમાં પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર રેલીમાં હિંસાની કેટલીક તસવીરો પણ સામેલ કરાઇ હતી.
આ અંગે રિપોર્ટની માનીએ તો સુપર બાઉલ લીગ, અમેરિકામાં જોવામાં આવતી લીગ્સમાંથી એક છે અને એમાં જાહેરાતની કિંમત અન્ય રમતોમાં પ્રસારણ થતી જાહેરાતોની સરખામણી અનેક ઘણો ભાવ હોય છે.
(સંકેત)