
તાલિબાનના ડરથી અફઘાન નાગરિકો અફઘાનિસ્તાન છોડવા મજબૂર, પાસપોર્ટ ઑફિસ બહાર લાઇનો લાગી
- અફઘાનિસ્તાનમાં સતત તાલિબાનનો વધતો આતંક
- હવે અફઘાન નાગરિકો દેશ છોડવા થયા મજબૂર
- પાસપોર્ટ ઑફિસ બહાર લાગી લાંબી લાઇનો
નવી દિલ્હી: અમેરિકન સૈન્યની અફઘાનિસ્તાનમાંથી વાપસી બાદ ત્યાં તાલિબાનનો આતંક, વર્ચસ્વ અને જોહુકમી સતત વધી રહી છે જેને કારણે અફઘાનિસ્તાનના નાગરિકોમાં ડર અને ભય વ્યાપ્યો છે. તેના લીધે અફઘાની નાગરિકો શક્ય તેટલી ઝડપથી દેશ છોડી દેવા ઇચ્છે છે. આ કારણે કાબુલમાં પાસપોર્ટ કાર્યાલય બહાર લોકોની ભારે ભીડ જામવા લાગી છે. પાસપોર્ટની લાઇનમાં ઉભા રહેલા લોકો અનુસાર, બગડી રહેલી સ્થિતિમાં તેમને કોઇપણ સમયે દેશમાં અન્ય દેશમાં સ્થળાંતર કરવું પડી શકે એમ છે.
ખાસ કરીને અફઘાનિસ્તાનના ગ્રામીણ ક્ષેત્રોમાં તાલિબાન જે રીતે પગ પ્રસરાવી રહ્યું છે તેના લીધે સાધન સંપન્ન અફઘાની નાગરિકો વિદેશ જવા માટે મજબૂર બન્યા છે. એક પોલીસ અધિકારી અનુસાર સામાન્યપણે 2,000ની સરખામણીએ હવે એક જ દિવસમાં 10,000 લોકો અરજી માટે આવી રહ્યા છે. લોકોના મતે હવે આ દેશમાં પરિવારજનો સાથે રહેવું એ જીવના જોખમે રહેવા સમાન છે.
બીજી તરફ અફઘાનિસ્તાનના અનેક વિસ્તારો પર કબજો જમાવી ચૂકેલા તાલિબાને ત્યાં ટેક્સ વસૂલાત શરૂ કરી દીધી છે. દેશના સરહદી જીલ્લા સ્પિન બોલ્ડક પર કબજો જમાવનારા તાલિબાને મંગળવારે નવો ટેક્સ લગાવ્યો અને તેની વસૂલાત શરૂ કરી.