
- કોરોનો વાયરસથી વિશ્વના મોટા ભાગના દેશના અર્થતંત્રને ફટકો
- બીજી તરફ આ સ્થિતિમાં પણ મેડિકલ ક્ષેત્રના અનેક લોકો થયા માલામાલ
- મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 50 લોકો આ સમયમાં ધનકૂબેર થયા
વોશિંગ્ટન: કોરોના વાયરસના કારણે વિશ્વના અનેક દેશોની અર્થવ્યવસ્થાને મોટો ફટકો પડ્યો છે. તમામ દેશો હાલમાં આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે તો આ મંદીને 1930 બાદનું સૌથી મોટું આર્થિક સંકટ ગણાવ્યું છે. જો કે આ બધા વચ્ચે વિશ્વમાં એવા પણ લોકો છે જે કોરોના વાયરસને કારણે માલામાલ થયા છે. કોરોના વાયરસ આ લોકો માટે આપત્તિને બદલે અવસરમાં ફેરવાઇ ચૂક્યો છે જેનાથી તેઓને કરોડો રૂપિયાનો ફાયદો થયો છે. વિશ્વમાં મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા ઓછામાં ઓછા 50 લોકો કોરોના વાયરસ મહામારી દરમિયાન વિશ્વના ટોચના ધનકૂબેરોના લિસ્ટમાં સ્થાન પામ્યા છે.
ફોર્બ્સ અનુસાર આ બધામાં મોટાભાગના ઉદ્યોગપતિઓ દવાની કંપનીઓ, સંશોધન, મેડિકલ ઉપકરણો, પેકેજિંગ અને પર્સનલ કેર પ્રોડક્ટ બનાવનાર કંપનીઓના માલિક છે. કોરોના કાળામાં આ તમામ લોકોના બેંક બેલેન્સમાં ઝડપી ગતિએ વધારો થયો છે. માત્ર અમેરિકાના અબજોપતિઓની સંપત્તિની અંદર એખ ટ્રિલિયન ડોલરનો વધારો થયો છે. દુનિયામાં જે નવા અબજપતિઓ તરીકે ઉભરી આવ્યા છે તેમાં મોટા ભાગે ચીન અને અમેરિકાના ઉદ્યોગપતિઓનો સમાવેશ થાય છે. કોરોનાના સંકટ વચ્ચે પણ આ લોકો માલામાલ થયા છે.
કરોડપતિઓની યાદીમાં કોરોના વેક્સીન નિર્માતા બાયોએનટેકના સીઇઓ ઉગુર સાહિન અને મૉડર્નાના સીઇઓસ્ટીફન બૈંસેલ પણ સામેલ છે. તેમની સંપત્તિમાં પણ કોરોના કાળમાં મોટો વધારો થયો છે.
નોંધનીય છે કે ફોર્બ્સ દ્વારા જે નવા અબજોપતિઓની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ત્રીજા નંબર પર મૂળ ચીનની અને કેનેડાની નાગરિક યુઆન લિપિંગ છે. જેની કુલ સંપત્તિ 4.1 બિલિયન ડોલર છે. યુઆનને ઑક્સફર્ડ એસ્ટ્રાજેનેકાની કોરોના વેક્સીન બનાવવાનો એકાધિકાર મળ્યો છે.
(સંકેત)