
બે ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલા અવકાશયાત્રામાં જવાની હોડ જામી, હવે રિચર્ડ બ્રેન્સને કરી આવી જાહેરાત
- હવે અવકાશ યાત્રા પર પહેલા જવા માટે ઉદ્યોગપતિઓ વચ્ચે હોડ જામી
- વર્જિન એરલાઇન્સના માલિક રિચર્ડ બ્રેન્સન પણ જુલાઇમાં અવકાશયાત્રા કરશે
- તેઓ બીજા 6 લોકો સાથે અવકાશ યાત્રા કરશે
નવી દિલ્હી: હવે તો ઉદ્યોગપતિઓ પણ અવકાશયાત્રા માટે રેસ લગાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હવે અમેરિકાના બે નામાંકિત ઉદ્યોગપતિઓ વચ્ચે પહેલી અવકાશયાત્રા માટે જાણે હોડ લાગી હોય તેવું લાગી રહ્યું છે.
વાત એમ છે કે, વર્જિન એરલાઇન્સના માલિક અને અંતરિક્ષયાન કંપની વર્જિન ગેલેક્ટિકની સ્થાપના કરનાર ઉદ્યોગપતિ રિચર્ડ બ્રેનસને જાહેરાત કરી છે કે તે, જેફ બેઝોસના 9 દિવસ પહેલા એટલે કે 11 જુલાઇએ અંતરિક્ષ યાત્રા કરશે.
આ અવકાશયાત્રામાં બ્રેનસન સહિત બીજા 6 લોકો હશે. અંતરિક્ષા યાન અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યમાંથી ઉડાન ભરશે. કંપનીના જ કર્મચારીઓ યાનનું સંચાલન કરશે તેવી જાહેરાત બ્રેનસનની કંપનીએ કરી છે.
અગાઉ પણ વર્જિન ગેલેક્ટિક ત્રણ અંતરિક્ષ યાત્રાઓનું આયોજન કરી ચૂકી છે. આ તેની ચોથી હશે. અગાઉ જેફ બેઝોસની અવકાશ યાત્રા કંપની બ્લુ ઓરિજીને જાહેર કર્યુ હતું કે, જેફ બેઝોસ સાથે 20 જુલાઇના રોજ અવકાશ યાત્રા પર જનારાઓમાં એરોસ્પેસ વિશ્વની એક આગેવાન મહિલા પણ હશે.
જેફ બેઝોસે 20 જુલાઈનો દિવસ એટલા માટે પસંદ કર્યો છે કારણકે આ દિવસે જ અમેરિકાના અવકાશયાત્રીઓએ ચંદ્ર પર ઉતરાણ કર્યુ હતુ.