
- જાપાન બાદ હવે સ્પેનમાં પણ 4 દિવસીય વર્કિંગ વીક અમલી બનશે
- 32 કલાકના વર્કિંગ વીકનો પ્રયોગ કરનાર સ્પેન યુરોપનો પ્રથમ દેશ બન્યો છે
- આ પ્રોજેક્ટથી કર્મચારીઓની ઉત્પાદકતામાં પણ વધારો થશે
નવી દિલ્હી: જાપાન બાદ હવે સ્પેનમાં પણ 4 દિવસીય વર્કિંગ વીક અમલી બનશે. સ્પેન સરકારએ વિચાર વિમર્શ કરીને પરીક્ષણના પ્રસ્તાવનો સ્વીકાર કર્યા બાદ ચાર દિવસીય વર્કિંગ વીકનો પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ ચાર દિવસીય એટલે કે 32 કલાકના વર્કિંગ વીકનો પ્રયોગ કરનાર સ્પેન પ્રથમ દેશ બન્યો છે. આ પ્રયોગ કરવા ઇચ્છતી કંપનીઓ માટે સરકારે ફેબ્રુઆરીમાં પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા સહમતિ આપી હતી.
તેજેરોના જણાવ્યા અનુસાર, તેમનો હેતુ €50mના આ પ્રોજેક્ટમાં 3000થી 6000 વર્કર્સ ધરાવતી કુલ 200 કંપનીઓને સામેલ કરવાનો છે. તેમણે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ અંતર્ગત અમે કામના કલાકોનો ઘટાડો ઇચ્છીએ છીએ. પરંતુ નોકરી કે વેતનમાં ઘટાડો નથી ઇચ્છતા.
એક મીડિયા અહેવાલ અનુસાર, આ પ્રસ્તાવ બાદ સ્પેન જલ્દી જ પરીક્ષણ શરૂ કરી શકે છે. ચાર દિવસીય વર્કિંગ વિકના પ્રોત્સાહકોએ દાવો કર્યો છે કે, આ પ્રકારના એક કોમ્પેક્ટ શિડ્યુઅલથી વધુ ઉત્પાદકતા તેમજ સારી વર્કિંગ લાઇફને જાળવી શકાય છે. કોરોના મહામારીને પગલે વિશ્વભરમાં દેશોમાં કામ કરવાની પદ્વતિમાં બદલાવ આવ્યો છે. ત્યારે હવે સ્પેન વિશ્વમાં સૌપ્રથમ વાર આ વિચાર પર કામ કરીને પ્રયોગ કરવા જઇ રહ્યું છે કે શું આ અવધારણા કામ કરે છે કે કેમ.
આ પરિયોજનાની ચર્ચા માત્ર પ્રારંભિક તબક્કામાં હતી. આ અંગે માત્ર ડિબેટ જ થઇ રહી હતી. જોકે, આ ચાર દિવસીય વર્કિંગ પ્લાનને લઈને સ્પેનમાં ખૂબ ચર્ચા જાગી છે. પરંતુ સ્કૂલ, યુનિવર્સીટી તેમજ અન્ય વહીવટી સંસ્થાઓએ આ પ્રસ્તાવને અપનાવવાનો બાકી છે.
આ પ્રથમ વખત નથી જ્યારે આ વિચારને સમર્થન મળી રહ્યું છે. ફ્લોર્ફસ પ્રોગ્રામ મુજબ, ઘણા વર્કર્સને અઠવાડિયામાં ઓછા કલાક કામ કરવા માટે પહેલેથી જ વેતન મળી રહ્યું છે અથવા બિલકુલ વેતન નથી મળતું.
(સંકેત)