
વિશ્વના મહાન વૈજ્ઞાનિક આઇઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધો ‘પ્રિન્સિપિયા’ની થશે હરાજી
- સર આઇઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધોની થશે હરાજી
- પ્રિન્સિપિયાની 6 લાખથી 9 લાખ પાઉન્ડ (8,50,000 થી 13 લાખ ડૉલર)માં હરાજી થવાનો અંદાજ છે
- ન્યૂટને વૈજ્ઞાનિક શોધ કરતી વખતે જે પાનાં પર જાતે નોંધ કરી હતી એનું નામ પ્રિન્સિપિયા છે
નવી દિલ્હી: વિશ્વના મહાન વૈજ્ઞાનિકોમાંના એક એવા સર આઇઝેક ન્યૂટનની હસ્તલિખિત નોંધોની લંડનમાં હરાજી કરવામાં આવશે. ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ અનુસાર ન્યૂટને વૈજ્ઞાનિક શોધ કરતી વખતે જે પાનાં પર જાતે નોંધ કરી હતી એ પ્રિન્સિપિયાની 6 લાખથી 9 લાખ પાઉન્ડ (8,50,000 થી 13 લાખ ડૉલર)માં હરાજી થવાનો અંદાજ છે.
વર્ષ 1687માં પ્રકાશિત ન્યૂટનના ફિલોસોફી નેચરાલિસ પ્રિન્સિપિયા મેથેમેટિકા – મેથેમેટિકલ પ્રિન્સિપલ્સ ઑફ નેચરલ ફિલોસોફીના આધારે ગુરુત્વાકર્ષણના નિયમ નિર્ધારિત થયા હતા. તેને વિજ્ઞાનના અત્યાર સુધીના ઇતિસાહની સૌથી મહત્વની ઘટનાઓ ગણવામાં આવે છે.
પુસ્તકની પ્રથમ આવૃત્તિની હરાજી 2016માં 37 લાખ ડોલરમાં કરવામાં આવી હતી. લંડનના ઓક્શન હાઉસ ક્રિસ્ટીઝ ખાતે બુક્સ અને મેન્યુસ્ક્રિપ્ટ્સના વડા થોમસ વેનિંગે જણાવ્યું હતું કે, “આ પુસ્તકના કારણે બ્રહ્માંડ અંગેની આપણી સમજમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું.
બીજી આવૃતિ વિશે વાત કરીએ તો તેમાં ન્યૂટનની દોઢ પાના ભરેલી નોંધનો સમાવેશ થાય છે. જેમાં સ્કોટલેન્ડના ગણિતશાસ્ત્રી અને એસ્ટ્રોનોમર ડેવિડ ગ્રેગરીની ટિપ્પણી અને આકૃતિઓ સામેલ છે. ન્યૂટન વર્ષ 1690ના દાયકામાં પ્રિન્સિપિયામાં સુધારા કરી રહ્યાં હતા ત્યારે આ બંને વૈજ્ઞાનિકો તેમને મળ્યા હતા અને પત્રવ્યવહાર કર્યો હતો.
વેનિંગના જણાવ્યા અનુસાર “ન્યૂટન જ્યારે ‘પ્રિન્સિપિયા’ના જરૂરી સુધારાવધારા કરી રહ્યા હતા ત્યારે “તેમનું મગજ વિશ્વએ અગાઉ ક્યારેય ન જોઈ હોય એવી બુદ્ધિની ઊર્જાથી ભરપૂર હતું.
વૈજ્ઞાનિકોની ક્લબ રોયલ સોસાયટીના હેડ લાઇબ્રેરિયન કીથ મૂરે જણાવ્યું હતું કે, “ગ્રેગરીએ ન્યૂટનનો લખેલો સંવાદ સાચવી રાખ્યો હતો. તે ન્યૂટનને મળ્યા હતા અને એ બંને વચ્ચેની ભાગીદારીએ ન્યૂટનની વિચારસરણીને વધુ ધારદાર બનાવવામાં મદદ કરી હતી.”
મહત્વનું છે કે, ન્યૂટન 18મી સદીમાં રોયલ સોસાયટીના પ્રેસિડેન્ટ હતા. ન્યૂટને આખરે ગુરુત્વાકર્ષણની થીયરીમાં ફેરફારના વિચાર છોડી 1713માં નવી આવૃત્તિ પ્રકાશિત કરી હતી. જેની 8 જુલાઈના રોજ લંડનના ‘ક્રિસ્ટીઝ’માં હરાજી થશે. વેનિંગે જણાવ્યું હતું કે, “વિશ્વ પાસે અત્યાર સુધીના ઇતિહાસમાં થયેલા મહાન બુદ્ધિજીવીઓમાંના એક ન્યૂટનની હસ્તલિખિત નોંધો અને તેમની મહાન સિદ્ધિઓ અંગેની વાતોને પોતાની પાસે સાચવવાની અમૂલ્ય તક છે.