
લો બોલો! પાકિસ્તાનના પાયલોટે મુસાફરી દરમિયાન અધવચ્ચે પ્લેન ઉડાડવાની ના પાડી દીધી, કહ્યું – મારી શિફ્ટ પૂરી થઇ
- પાકિસ્તાનનો ગજબનો કિસ્સો
- પાકિસ્તાની પાયલોટે અધવચ્ચે પ્લેન ઉડાવવાની ના પાડી દીધી
- મુસાફરો પણ રોષે ભરાયા
નવી દિલ્હી: પાકિસ્તાનમાં એક ગજબનો કિસ્સો બન્યો હતો જ્યાં વિમાનના પાયલોટે અડધી મુસાફરી દરમિયાન પ્લેન ઉડાડવાની મનાઇ કરી દીધી હતી. હકીકતમાં, પાકિસ્તાનના એક પાયલોટે રવિવારે સાઉદી અરબની રાજધાની રિયાધથી એક વિમાનને ઇસ્લામાબાદ લાવવાની ના પાડી દીધી હતી. પાયલોટના કહેવા પ્રમાણે તેનો ડ્યૂટી ટાઇમ પૂરો થઇ ગયો હોવાથી વિમાન ઉડાડવાની મનાઇ કરી હતી.
આ અંગે વાત કરતા PIA પ્રશાસને માહિતી આપી હતી કે, પીકે-9754 એ સાઉદી અરબની રાજધાની રિયાધથી ઉડાન ભરી હતી પરંતુ પ્રતિકૂળ વાતાવરણને કારણે દમ્મમાં પ્લેનને લેન્ડિંગ કરવાની નોબત આવી હતી. તે જ સમયે ફ્લાઇટના કેપ્ટને વિમાનને ઇસ્લામાબાદ લઇ જવાની ના પાડી દીધી હતી અને ડ્યૂટીનો સમય સમાપ્ત થઇ ગયા હોવાનું કારણ આગળ ધરી દીધું હતું.
પાયલોટે પ્લેન ઉડાડવાની મનાઇ કરતા મુસાફરો અકળાયા હતા અને વિરોધ દર્શાવવા માટે વિમાનમાંથી ઉતરવાની ના પાડી દીધી હતી. આખરે સ્થિતિને નિયંત્રિત કરવા માટે એરપોર્ટ સિક્યિરટી બોલાવવી પડી હતી. ફ્લાઇટની સુરક્ષા અર્થે ઉડાન ભરતા પહેલા પાયલોટ્સ યોગ્ય આરામ કરે તે જરૂરી છે. માટે તે પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવી હતી.
અગાઉ PIA તરફથી સઉદી અરબ માટે ડાયરેક્ટ વિમાન સેવા વિસ્તૃત નહોતી. નવેમ્બરમાં PIAએ ઘોષણા કરી હતી કે, તે સાઉદી અરબ માટે પોતાની ફ્લાઈટનો વિસ્તાર કરી રહ્યું છે.