![સાઉદી અરેબિયાના પુરુષો હવે આ ચાર દેશની મહિલા સાથે નહીં કરી શકે લગ્ન](https://www.revoi.in/wp-content/uploads/2021/03/Saudi-Arabia-Mrg.jpg)
- સાઉદી અરેબિયાએ એક મહત્વનો નિર્ણય લીધો
- સાઉદી અરેબિયાના પુરુષો હવે વિદેશી મહિલા સાથે લગ્ન નહીં કરી શકે
- ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ કે મ્યાંમારની મહિલા સાથે લગ્ન નહીં કરી શકે
નવી દિલ્હી: સાઉદી અરેબિયાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. સાઉદી અરેબિયાએ પોતાના પુરુષો પર પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ બાદ હવે સાઉદી અરેબિયાનો પુરુષ પાકિસ્તાન, બાંગ્લાદેશ, ચાડ કે મ્યાંમારની મહિલા સાથે લગ્ન નહીં કરી શકે. પાકિસ્તાનના મીડિયા ડોનમાં સાઉદી મીડિયાના હવાલેથી આ સમાચાર છે.
એક અંદાજ અનુસાર સાઉદી અરેબિયામાં હાલ આ ચારેય દેશની 50 હજાર મહિલાઓ વસવાટ કરે છે. મક્કાના ડિરેક્ટર ઑફ પોલીસ મેજર જનરલ અસર અલ-કુરૈશીના હવાલાથી એક રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે, વિદેશીઓ સાથે લગ્ન કરવાની ઇચ્છા ધરાવતા સાઉદી પુરુષોએ હવે કડક નિયમોનું પાલન કરવાનું રહેશે.
ડૉનના અહેવાલ અનુસાર આ નિર્ણય એ માટે લેવામાં આવ્યો છે કે, જેનાથી સાઉદીના પુરુષોને વિદેશીઓ સાથે લગ્ન કરતા રોકી શકાય. આ ઉપરાંત વિદેશીઓ સાથે લગ્ન કરવાની છૂટ આપતા પહેલા વધારાના નિયમો પણ બનાવવામાં આવ્યા છે. વિદેશી મહિલાઓ સાથે લગ્ન કરવા ઇચ્છુક પુરુષોએ હવે પહેલા સરકારની પરવાનગી લેવી અનિવાર્ય છે. સાથે જ લગ્ન કરવા માટે અરજી પણ આપવી પડશે.
તલાક મળ્યા હોય તેવા પુરુષોને તલાકના 6 મહિનાની અંદર અરજી કરવા પર રોક રહેશે. અરજીકર્તાની ઉંમર 25 વર્ષથી વધું હોવું જોઇએ. જો અરજીકર્તા પહેલાથી જ પરિણીત છે તો તેણે હોસ્પિટલમાંથી રિપોર્ટ આપવો પડશે અને સાબિત કરવું પડશે કે તેની પત્ની વિકલાંગ છે, જૂની બિમારીથી પીડિત છે.
(સંકેત)