- અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓના આતંકનો વધુ એક કિસ્સો
- લગ્નમાં ગીત વગાડવા બદલ 13 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
- અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિએ ટ્વિટથી માહિતી આપી
નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જ્યારથી તાલિબાન શાસન લાગૂ થયું છે ત્યારથી ત્યાં તાલિબાન લોકો પર ક્રૂરતા કરી રહ્યું છે અને દમન કરી રહ્યું છે. તાલિબાને ત્યાં કટ્ટરપંથી નિયમ લાગૂ કરી દીધા છે. ત્યાં ગીત સાંભળવાથી લઇને કપડા પહેરવા સુધીના અનેક નિયમો લાગૂ કર્યા છે અને જો નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવે તો તાલિબાનીઓ તેઓને મોતની સજા આપી રહ્યાં છે.
તાલિબાનીઓની આવી જ ક્રૂરતાનો એક કિસ્સો તાજેતરમાં સામે આવ્યો છે. જેમાં એક લગ્ન સમારોહમાં ગીત વગાડવા બદલ તાલિબાનીઓએ 13 લોકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. પૂર્વ અફઘાન ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે ટ્વિટના માધ્યમથી આ કિસ્સો કહ્યો છે.
અમરુલ્લાહ સાલેહે ટ્વિટના માધ્યમથી કિસ્સો કહ્યો છે કે, તાલિબાનીઓએ નેંગરહારમાં એક લગ્ન પાર્ટીમાં મ્યૂઝિક બંધ કરાવવા માટે 13 લોકોની હત્યા કરી દીધી હતી. અમે માત્ર નિંદા કરીને અમારો રોષ વ્યક્ત નથી કરી શકતા. 25 વર્ષ સુધી પાકિસ્તાને તેમને અફઘાન સંસ્કૃતિને ખતમ કરવા અને અમારી ધતી પર કબ્જો કરવા ISIના શાસનની સ્થાપના માટે ટ્રેનિંગ આપી. જે હવે પોતાનું કામ કરી રહ્યાં છે.
જો કે આ શાસન લાંબા સમય સુધી ચાલે તેવા પણ કોઇ અણસાર નથી. જો કે દુર્ભાગ્યપણે તેનો અંત ના થાય ત્યાં સુધી અફઘાનીઓએ સતત તેની કિંમત ચૂકવતા રહેવુ પડશે. સોશિયલ મીડિયા પર લોકો સાલેહનું સમર્થન કરી રહ્યાં છે.