ગાંધીનગરઃ અમદાવાદ કેળવણી ટ્રસ્ટ સંચાલિત જી. બી. શાહ કોમર્સ કોલેજ, વાસણા ખાતે બી. કોમ. સેમેસ્ટર-૬ ના વિદ્યાર્થીઓ માટે ‘સ્કીલ એન્હાન્સમેન્ટ કોર્સ’ વિષય અંતર્ગત ફરજીયાત એવી ઇન્ટર્નશીપ વિષે વિદ્યાર્થીઓને માહિતી આપવા માટેનો સેમીનાર યોજાઈ ગયો. કાર્યક્રમના પ્રારંભે પ્રિ. ડૉ. વી. કે. જોષીએ જણાવ્યું હતું કે સ્નાતક કક્ષાનો વિદ્યાર્થી વર્ગખંડની ચાર દિવાલોમાંથી બહાર નીકળીને રોજગારદાતાઓને જરૂર છે એવો રીયલ ટાઇમ ઇન્ડસ્ટ્રી અનુભવ મેળવે તેવા ઉમદા હેતુથી રાષ્ટ્રીય શિક્ષણ નિતી-૨૦૨૦ માં તમામ ફેકલ્ટીના સેમેસ્ટર-૬ માં ચાર ક્રેડીટ ધરાવતી ૧૨૦ કલાકની ફરજીયાત ઇન્ટર્નશીપ દાખલ કરવામાં આવી છે.
સેમિનારમાં ગેસ્ટ સ્પીકર તરીકે આવેલા સ્કુલ ઓફ કોમર્સ, ગુજરાત યુનિવર્સીટીના ડીપાર્ટમેન્ટ ઓફ એડવાન્સ્ડ બીઝનેસ સ્ટડીઝના હેડ પ્રો. (ડૉ.) ગુરુદત્ત જપ્પી એ જણાવ્યું હતું કે ૧૨૦ કલાકની આ ફરજીયાત ઇન્ટર્નશીપ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે કારણ કે તેનાથી તેઓ ફિલ્ડવર્ક થકી પ્રેક્ટીકલ અનુભવ મેળવી શકશે જેનાથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નોકરી મેળવવામાં તેઓને સરળતા રહેશે. પ્રો. જપ્પીએ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ ક્યાં અને કેવી રીતે કરવી તેનું માર્ગદર્શન આપ્યું હતું અને ઇન્ટર્નશીપ માટેનું ક્રેડીટ સ્ટ્રક્ચર સમજાવીને તેની મૂલ્યાંકન પદ્ધતિ તેમજ ઇન્ટર્નશીપ માટેના વિવિધ એનેક્ષર વિષે પણ માહિતી આપી હતી. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરી સેશનમાં ઇન્ટર્નશીપ બાબતે વિદ્યાર્થીઓમાં પ્રવર્તતી મુંઝવણોનું પણ તેઓએ સમાધાન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. દીપિકા રાયકાએ કર્યું હતું અને આભારવિધિ ડૉ. ઊર્વિન શાહે કરી હતી.


