IPL: રાજસ્થાન રોયલ્સના ડગઆઉટમાં મોબાઈલનો ઉપયોગ થતા વિવાદ, વીડિયો વાયરલ
ગુવાહાટી, 11 એપ્રિલ 2026: આઈપીએલ 2026 માં રાજસ્થાન રોયલ્સ (આરઆર) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) વચ્ચે રમાયેલી મેચમાં રાજસ્થાને ભલે શાનદાર જીત મેળવી હોય, પરંતુ મેદાનની બહાર એક નવા વિવાદે જન્મ લીધો છે. મેચ દરમિયાન ડગઆઉટમાં બેસીને મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ રાજસ્થાન રોયલ્સના એક ઉચ્ચ અધિકારી હવે બીસીસીઆઈના રડાર પર આવી ગયા છે.
ગુવાહાટીમાં રમાયેલી આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રાજસ્થાનનો સ્ટાર ઓપનર વૈભવ સૂર્યવંશી ડગઆઉટમાં બેઠેલો જોવા મળે છે. તેની બાજુમાં રાજસ્થાનની જર્સી પહેરેલી એક વ્યક્તિ આરામથી મોબાઈલ ફોનનો ઉપયોગ કરતી નજરે પડે છે. તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ રાજસ્થાન રોયલ્સના ટીમ મેનેજર રવિન્દ્ર સિંહ ભિંડર (રોમી ભિંડર) છે.
ઈન્ટરનેશનલ ક્રિકેટ અને આઈપીએલના કડક નિયમો મુજબ, મેચ દરમિયાન કોઈ પણ ખેલાડી, કોચ કે સપોર્ટ સ્ટાફ મોબાઈલ ફોન કે વોકી-ટોકી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરી શકતા નથી. માત્ર ટીમ મેનેજરને જ મોબાઈલ રાખવાની છૂટ હોય છે, પરંતુ તે પણ માત્ર ડ્રેસિંગ રૂમ પૂરતી મર્યાદિત છે. કોઈપણ સંજોગોમાં મેદાન પર કે ડગઆઉટમાં બેસીને મેનેજર મોબાઈલ ફોનનો ઉપયોગ કરી શકે નહીં. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે રોમી ભિંડર ડગઆઉટમાં જાહેરમાં ફોન ચલાવી રહ્યા હતા, જે એન્ટી કરપ્શન પ્રોટોકોલ અને આઈપીએલ પ્લેઈંગ કન્ડિશન્સનું સીધું ઉલ્લંઘન ગણાય છે.
ભૂતકાળમાં આવા કિસ્સાઓમાં બીસીસીઆઈ દ્વારા ભારે દંડ અથવા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ભ્રષ્ટાચારને રોકવા માટે ક્રિકેટમાં મોબાઈલના ઉપયોગ પર સખત પાબંધી છે જેથી બહારથી કોઈ માહિતી અંદર ન પહોંચી શકે. હવે જોવાનું એ રહેશે કે બીસીસીઆઈ રાજસ્થાન રોયલ્સના મેનેજર સામે શું એક્શન લે છે. રાજસ્થાન રોયલ્સે આ મેચમાં બેંગ્લોર દ્વારા આપવામાં આવેલો 202 રનનો લક્ષ્યાંક 18મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. મેચમાં વૈભવ સૂર્યવંશીની બેટિંગના વખાણ થયા હતા, પરંતુ હાલમાં ટીમ મેનેજરનો આ વીડિયો જીતની ખુશી પર વિવાદનું ગ્રહણ લગાવી રહ્યો છે.


