ઈરાની સેનાએ કરાચી જઈ રહેલા માલવાહક જહાજને અધવચ્ચેથી પાછું મોકલ્યું
તેહરાન, 25 માર્ચ 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષ વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના જંગના 26મા દિવસે ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નેવીએ એક મોટા કન્ટેનર જહાજને અધવચ્ચેથી રોકીને પાછું મોકલી દેતા દરિયાઈ માર્ગે હલચલ મચી ગઈ છે. આ જહાજ પાકિસ્તાનના કરાચી બંદર જઈ રહ્યું હોવાનું જાણવા મળે છે.
IRGC નેવીના કમાન્ડર અલિરેઝા તંગસીરીએ આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે, કન્ટેનર જહાજ સેલેન’ જરૂરી કાયદાકીય પ્રોટોકોલનું પાલન ન કરવા બદલ અને હોર્મુઝમાંથી પસાર થવાની મંજૂરી ન હોવાને કારણે પાછું મોકલી દેવામાં આવ્યું છે. ઈરાની સેનાએ સ્પષ્ટ કર્યું છે કે, તેમની પરવાનગી વગર આ વ્યૂહાત્મક જળમાર્ગનો ઉપયોગ કરવા દેવામાં આવશે નહીં.
મળતી માહિતી મુજબ, જહાજ ‘સેલેન’ પાકિસ્તાનના કરાચી બંદર તરફ જઈ રહ્યું હતું. કમાન્ડર તંગસીરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે, “સેલેન જહાજ પાસે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવા માટેના જરૂરી દસ્તાવેજો અને પરવાનગી નહોતી, જેના કારણે IRGC નેવીના જવાનોએ તેને અટકાવીને મૂળ સ્થાને પરત મોકલી દીધું છે.”
હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ દરિયાઈ વેપાર માર્ગોમાંથી એક છે, જ્યાંથી દુનિયાનો મોટો હિસ્સો તેલ અને ગેસની નિકાસ થાય છે. ઈરાન દ્વારા આ રીતે જહાજોને રોકવાની ઘટનાને કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન ખોરવાઈ શકે છે. ખાસ કરીને વર્તમાન યુદ્ધની સ્થિતિમાં ઈરાન આ માર્ગ પર પોતાનું વર્ચસ્વ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યું હોય તેમ જણાય છે.
આ પણ વાંચોઃ ઈરાની સેનાએ કરાચી જઈ રહેલા માલવાહક જહાજને અધવચ્ચેથી પાછું મોકલ્યું


