નર્મદા નદી પર તૈયાર થયો ભારતનો પ્રથમ 8-લેન એક્સ્ટ્રાડોઝ્ડ કેબલ સ્ટેડ બ્રિજ
ગાંધીનગર, 25 માર્ચ 2026: ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે. નર્મદા નદી પર નિર્મિત ભારતનો પ્રથમ આઠ લેન એક્સ્ટ્રાડોઝ્ડ (Extradosed) કેબલ સ્ટેડ રિવર બ્રિજ એન્જિનિયરિંગની અદભુત સિદ્ધિ સમાન છે. આ બ્રિજ માત્ર બે શહેરોને જ નહીં, પરંતુ દેશની રાજકીય રાજધાની દિલ્હીને આર્થિક રાજધાની મુંબઈ સાથે વધુ નજીક લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ બાબતે પ્રોજેક્ટ ડાયરેક્ટર સંજયકુમાર યાદવે માહિતી આપી હતી કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે એ ભારતનો સૌથી લાંબો રોડ કોરિડોર છે, જે મુસાફરીના સમયમાં 10 થી 12 કલાકનો મોટો ઘટાડો કરશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંકલેશ્વર-મનુબાર સેક્શનમાં આવેલો આ નર્મદા બ્રિજ કોરિડોરની નવી ઓળખ બની ગયો છે. 2.22 કિલોમીટરની લંબાઈ ધરાવતો આ બ્રિજ ભારતીય એન્જિનિયરોની મહત્વાકાંક્ષા અને મજબૂત ઈચ્છાશક્તિનો પુરાવો છે.
ભૂકંપ અને ભરતીના જોખમો ધરાવતા નર્મદાના પટમાં આ બ્રિજનું નિર્માણ કરવું અત્યંત જટિલ કાર્ય હતું. એન્જિનિયરિંગ ટીમોએ 60 મીટરથી વધુ ઊંડા પાઈલ ફાઉન્ડેશન નાખ્યા છે જેથી ભરતીના ભારે મોજાંઓ સામે આ સ્ટ્રક્ચર અડીખમ રહી શકે.
- બ્રિજની મુખ્ય વિશેષતાઓ
કુલ લંબાઈ: 2 × 2220.05 મીટર
વાયડક્ટ ભાગ: 1200 મીટર (પહોળાઈ 21.25 મીટર)
એક્સ્ટ્રાડોઝ્ડ ભાગ: 1020 મીટર (પહોળાઈ 24 મીટર)
નેવિગેશન સ્પાન્સ: ટ્વિન પાયલોન દ્વારા સપોર્ટેડ 3 × 120 મીટરના ગાળા
વિશિષ્ટ સામગ્રી: જર્મનીથી ખાસ 700 મેટ્રિક ટન સ્ટે-કેબલ્સ આયાત કરવામાં આવ્યા છે.
ઊંચાઈ: પાયલોન અને પાઈલ્સની સંયુક્ત ઊંચાઈ 29-માળની ઇમારત જેટલી છે.

બ્રિજ ડિઝાઈન એન્જિનિયરે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ બાંધકામમાં 32,000 મેટ્રિક ટન રિઇન્ફોર્સમેન્ટ સ્ટીલ વપરાયું છે, જે પ્રખ્યાત બ્રુકલિન બ્રિજ કરતા 2.5 ગણું વધારે છે. નિર્માણ કાર્ય દરમિયાન ટીમોએ અનેક પડકારોનો સામનો કર્યો હતો. પાછલા 10 વર્ષના પૂરના ડેટાના આધારે તૈયાર કરેલા કામચલાઉ સ્ટ્રક્ચર્સ પણ બે વખત આવેલા ભયાનક પૂરમાં તણાઈ ગયા હતા. આ ઉપરાંત, રાષ્ટ્રવ્યાપી લોકડાઉન અને ચોમાસાની મુશ્કેલીઓ છતાં, નદીમાં ટગબોટ્સ અને બાર્જની મદદથી કામ સતત ચાલુ રાખવામાં આવ્યું હતું.
નર્મદા બ્રિજ માત્ર વાહનવ્યવહાર માટે નથી, પરંતુ તે આર્થિક વિકાસનું કેન્દ્ર છે. તે દિલ્હી, વડોદરા, ભરૂચ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય ઔદ્યોગિક શહેરોને જોડીને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વેગ આપશે. ખાસ કરીને ભરૂચ અને અંકલેશ્વર જેવા ઔદ્યોગિક વિસ્તારો માટે આ બ્રિજ નવી તકો અને રોજગારીના દ્વાર ખોલશે.


