પાલનપુર, 14 મે 2026: Massive fire breaks out in scrap warehouse શહેરના ચરોતર વિસ્તારમાં એક ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિક અને કચરાના જથ્થાને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી કર્યું હતું. આગની જાણ ફાયર બ્રિગેડને કરાતા પાલનપુર નગરપાલિકા અને ડીસા નગરપાલિકાની ફાયર ટીમો દોડી આવી હતી. ચાર ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરાયા બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો.
આગના આ બનાવની વિગત એવી છે કે, પાલનપુરના ચરોતર નજીક આવેલા આ ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. આગનો ધૂમાડો દુર સુધી જોવા મળતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. અને ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયર ફાઈટરો દોડી આવ્યા હતા. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. વીજ વાયરોમાં થયેલા સ્પાર્ક બાદ તણખલા નીચે પડતા આગની શરૂઆત થઈ હતી. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક, સૂકો કચરો અને ભંગારનો સામાન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને આકાશમાં ધુમાડાના કાળા ગોટા જોવા મળ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે પાલનપુર નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને. સ્થિતિની ગંભીરતા જોતા ડીસા નગરપાલિકાથી પણ મદદ લેવામાં આવી હતી. કુલ ચાર ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યાં હતા. આ બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગ લાગતા જ ગોડાઉન અને આસપાસના લોકો સાવચેત થઈ જતા મોટી હોનારત ટળી હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. હાલમાં આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને કુલ કેટલું આર્થિક નુકસાન થયું છે તેની તપાસ હાથ ધરવામાં આવી છે.


