Homerevoinewsયુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ 2026 - SSIP 2.0 સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જાગૃતિ...

યુનિવર્સિટી ખાતે વિકાસ સપ્તાહ 2026 – SSIP 2.0 સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

અમદાવાદ, 17 ઑક્ટોબર, 2026 – SSIP 2.0 Startup and Innovation Awareness Program Held ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયના માર્ગદર્શન અને ISIICTL વિભાગના નિયામક પ્રો. મનોજ શાહના દિશાનિર્દેશ અનુસાર 8 ઑક્ટોબર, 2026ના રોજ યુનિવર્સિટી ખાતે ‘વિકાસ સપ્તાહ 2026 – SSIP 2.0 સ્ટાર્ટઅપ અને ઇનોવેશન જાગૃતિ કાર્યક્રમ’ યોજાયો.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ અંગે જાગૃતિ કેળવવાનો હતો. તેમના નવીન વિચારોને વ્યવહારુ સાહસોમાં રૂપાંતરિત કરવા દિશાસૂચન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ટાર્ટઅપ, ઇનોવેશન અને ઉદ્યોગસાહસિકતાને લગતા વિવિધ વિષયો પર નિષ્ણાતો દ્વારા સત્રો યોજાયાં.

ઉદ્ઘાટન સત્રમાં ICAI–WIRCના ચેરમેન CA રિંકેશ શાહ, મેસર્સ વિનસ એન્જિનિયરિંગ વર્ક્સના ડિરેક્ટર શ્રી અનય મશરૂવાલા અને ગુજરાત સરકારના CED મેનેજર શ્રી ધર્મેન્દ્ર પંડ્યા ઉપસ્થિત રહ્યા. પ્રો. મનોજ શાહે કાર્યક્રમનો પરિચય આપતાં સ્ટાર્ટઅપ્સ સામે ઊભા થતા વિવિધ પડકારોની ચર્ચા કરી. સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને સમજવા અને તેમાં ઉપલબ્ધ તકોનો લાભ લેવા અંગે વિશેષ જાણકારી આપી. યુનિવર્સિટીના SSIP પ્રોજેક્ટ કન્સલ્ટન્ટ શ્રી તેજેન્દ્ર પરમારે શાબ્દિક સ્વાગત કર્યું.

CA રિંકેશ શાહે વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં સ્ટાર્ટઅપ, નવીનતા અને ઉદ્યોગસાહસિકતાની ભૂમિકા સ્પષ્ટ કરી. શ્રી અનય મશરૂવાલાએ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધીને તેમને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સમજવા તેમજ ઉદ્યોગસાહસિક તકોનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા. શ્રી ધર્મેન્દ્ર પંડ્યાએ સ્ટાર્ટઅપ અને ઉદ્યોગસાહસિકતાના પાયાના સિદ્ધાંતો તથા સરકારી યોજનાઓ વિશે માહિતી આપી.

WIRCના RCM CA ફેનિલ શાહે આજના સમયની જરૂરિયાત મુજબ ટેક્નિકલ કૌશલ્યો વિકસાવવાનું મહત્ત્વ સમજાવ્યું. તેમણે સ્ટાર્ટઅપના વિકાસ અને કાર્યક્ષમતા વધારવામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની ભૂમિકા વિશે વિગતો રજૂ કરી. ઇન્નોડેસ્ક ડિઝાઇનોવેશન સર્વિસિસના ફાઉન્ડર શ્રી કરમજીતસિંહ બિહોલાએ ડિઝાઇન થિંકિંગ અને આઇડિયેશન પ્રક્રિયા અંગે જાણકારી આપી. GLS યુનિવર્સિટી ઇન્ક્યુબેશન સેન્ટરના હેડ ડૉ. હિમા ત્રિવેદીએ માર્કેટ રિસર્ચ, સ્પર્ધાત્મક વિશ્લેષણ, બ્રાન્ડિંગ, સંચાર અને ડિજિટલ માર્કેટિંગનું મહત્ત્વ સમજાવ્યું.

અંતિમ સત્રમાં યોજાયેલા ‘સ્ટાર્ટઅપ ફાઉન્ડર ટોક’માં શ્રી સત્ય મહેતા અને શ્રી હેલી સોપારકરે પોતાના ઉદ્યોગસાહસિક અનુભવો વિશે વાત કરી. તેમણે સ્ટાર્ટઅપની સ્થાપના અને વિકાસ દરમિયાન આવેલા પડકારો તથા તેમાંથી મેળવેલા બોધપાઠથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા. આ ઉપરાંત, સ્ટાર્ટઅપના વિકાસમાં ધીરજ, સતત પ્રયત્નો, યોગ્ય આયોજન અને સરકારી સહાયની ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કર્યા. શ્રી દત્તા લો કન્સલ્ટન્સીના ફાઉન્ડર ડૉ. પ્રીતિ ચોથાણીએ બૌદ્ધિક સંપદા અધિકારો (IPR), પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને ઔદ્યોગિક ડિઝાઇનના રક્ષણ અંગે વિસ્તૃત માહિતી આપી. પ્રો. મનોજ શાહે સ્ટાર્ટઅપ માટે નાણાકીય આયોજન, કોસ્ટિંગ, ફાઇનાન્સિંગ અને વેન્ચર કેપિટલ અંગે વાત કરી. તેમણે સ્ટાર્ટઅપના સફળ સંચાલન અને વિકાસ માટે યોગ્ય નાણાકીય વ્યવસ્થાપનનું મહત્ત્વ સમજાવ્યું.

સત્રના અંતે સહભાગી વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં. ગુજરાત સરકારના ‘વિકાસ સપ્તાહ 2026’ અંતર્ગત SSIP 2.0 હેઠળ આ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓમાં નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી તેમના વિચારોને સ્ટાર્ટઅપમાં રૂપાંતરિત કરવાની દિશામાં આ એક સઘન પ્રયાસ હતો. ‘વિકસિત ભારત’ના સંકલ્પમાં યોગદાન આપવા માટે તે ઉપયોગી નીવડશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular