ઋતુ બદલાવની સાથે ત્વચાનું શુષ્ક થવું સામાન્ય બાબત છે. આ દિવસોમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું અને મોઇશ્ચરાઇઝર લગાવવું જરૂરી છે, પરંતુ આટલું કરવા છતાં જો તમારી ત્વચા ડલ અને બેજાન દેખાઈ રહી છે, તો તેનું કારણ તમારી સ્કિન કેર રૂટિનમાં થતી કેટલીક સામાન્ય ભૂલો હોઈ શકે છે. આ ભૂલોના કારણે ત્વચાનું રક્ષણાત્મક સ્તર (સ્કીન બેરિયર) નબળું પડે છે, જેનાથી ત્વચાનો કુદરતી નિખાર છીનવાઈ જાય છે અને ચહેરા પર કરચલીઓ (ફાઇન લાઇન) પણ વહેલી દેખાવા લાગે છે. સ્વસ્થ આહાર અને હાઇડ્રેશન જેટલું જરૂરી છે, તેટલી જ ત્વચાની બાહ્ય સંભાળ પણ મહત્વપૂર્ણ છે. જો કે, અજાણતા આપણે કેટલીક એવી ભૂલો કરી બેસીએ છીએ જે ત્વચા માટે હાનિકારક સાબિત થાય છે.
વારંવાર અથવા ગરમ પાણીથી ચહેરો ધોવો
ચહેરાની સફાઈ જરૂરી છે, પરંતુ જરૂર કરતાં વધુ વખત ચહેરો ધોવાથી ત્વચાની કુદરતી રક્ષણાત્મક પરત નબળી પડે છે. વારંવાર ફેસ વોશ કરવાથી ત્વચાના કુદરતી તેલ નાશ પામે છે. આ જ રીતે, ખૂબ ગરમ પાણીથી ચહેરો ધોવાથી પણ ત્વચાની ઉપરની સપાટીને નુકસાન પહોંચે છે.
વધુ પડતું અથવા કઠોર એક્સફોલિએશન
સામાન્ય રીતે 7 થી 10 દિવસમાં એકવાર ત્વચાને એક્સફોલિએટ કરવી યોગ્ય ગણાય છે, જેથી ત્વચા ઊંડાણપૂર્વક સાફ થઈ શકે. પરંતુ, જો તમે ખૂબ જ હાર્શ સ્ક્રબનો ઉપયોગ કરો છો અથવા વારંવાર ચહેરાને ઘસો છો, તો તેનાથી સ્કિન બેરિયર ડેમેજ થઈ શકે છે. આના કારણે ચહેરા પર લાલાશ (રેડનેસ) અને દાણા પણ થઈ શકે છે.
સનસ્ક્રીનનો ઉપયોગ ન કરવો
સૂર્યના હાનિકારક યુવી કિરણો ત્વચાને ગંભીર નુકસાન પહોંચાડે છે. આથી, તડકો ન દેખાય તો પણ દરરોજ સનસ્ક્રીન લગાવવાની સલાહ આપવામાં આવે છે. જો તમે સનસ્ક્રીન લગાવવાનું ટાળો છો અથવા SPF 30 કે તેથી વધુ ક્ષમતાવાળી સનસ્ક્રીનનો ઉપયોગ નથી કરતા, તો ત્વચાને નુકસાન થાય છે.
હાર્શ કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સનો ઉપયોગ
જો તમે એવા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો છો જેમાં ખૂબ વધુ સુગંધ (ફ્રેગ્રન્સ), આલ્કલાઇન અથવા હાર્શ કેમિકલ્સ હોય, તો તે ત્વચા માટે જોખમી સાબિત થઈ શકે છે. સોશિયલ મીડિયાથી પ્રભાવિત થઈને કે જાહેરાતો જોઈને ઝડપથી નિખાર આપતી ક્રીમ કે ક્લીન્સર ખરીદવાની ભૂલ ત્વચાને ભારે નુકસાન કરી શકે છે.
નાઇટ સ્કિન કેર રૂટિનને અવગણવું
ઘણા લોકો રાત્રે સૂતી વખતે સ્કિન કેરને નજરઅંદાજ કરે છે. કેટલાક લોકો માત્ર ફેસ વોશ કરે છે પણ મોઇશ્ચરાઇઝર લગાવતા નથી, જ્યારે કેટલાક ચહેરો ધોયા વગર જ સૂઈ જાય છે. આ બંને સ્થિતિમાં ત્વચાને નુકસાન થાય છે. રાત્રે ચહેરો સાફ ન કરવાથી મેકઅપના કણો, ધૂળ અને પ્રદૂષણ ત્વચાને બગાડે છે, જ્યારે ચહેરો ધોયા પછી મોઇશ્ચરાઇઝર ન લગાવવાથી ત્વચાની ભેજ ઓછી થઈ જાય છે.


