Homeગુજરાતીદેશ-વિદેશસર્પદંશ હત્યાકાંડ: પતિની હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમીને અદાલતે મોતની સજા...

સર્પદંશ હત્યાકાંડ: પતિની હત્યા કરનાર પત્ની અને તેના પ્રેમીને અદાલતે મોતની સજા ફરમાવી

મેરઠ, 16 ઓક્ટોબર 2026: ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાંથી એક સનસનાટીભર્યો અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેરઠના બહસૂમા વિસ્તારના અકબરપુર સાદાત ગામના રહેવાસી અમિત કશ્ચય ઉર્ફે મિક્કી હત્યા કેસમાં સ્થાનિક અદાલતે ચુકાદો આપ્યો છે. અપર જિલ્લા અને સત્ર ન્યાયાધીશ જયવીર સિંહ નાગરની અદાલતે મૃતકની પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને મૃત્યુદંડ (ફાંસી) ની સજા ફટકારી છે. અગાઉ અદાલતે બંનેને હત્યા અને પુરાવા નાશ કરવાના ગુનામાં દોષિત જાહેર કર્યા હતા.

આ ચર્ચાસ્પદ મામલાની શરૂઆત 13 એપ્રિલ 2025 ના રોજ થઈ હતી, જ્યારે અમિત કશ્ચપનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ પલંગ પરથી મળી આવ્યો હતો. મૃતદેહની નીચે એક જીવતો સાપ જોવા મળી આવ્યો હતો અને અમિતના શરીર પર સાપના ડંખના 10 નિશાન પણ જોવા મળ્યા હતા. પત્ની રવિતાએ દાવો કર્યો હતો કે, અમિતનું મોત સાપના કરડવાથી થયું છે. શરૂઆતમાં પરિવારે પણ તેને કુદરતી મોત જ માની લીધું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે અમિતનું મોત સાપ કરડવાથી નહીં, પરંતુ ગળું દબાવવાથી થયું હતું. ગળું દબાવવાને કારણે તેની ગરદનની હાયોઇડ હાડકી અને થાયરોઇડ કાર્ટિલેજ પણ તૂટી ગયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે રવિતા અને અમરદીપ વચ્ચે પ્રેમસંબંધ હતો, જેનાથી વાકેફ થઈને અમિતે તેનો વિરોધ કર્યો હતો. આ સંબંધોમાં કાંટા સમાન બનેલા અમિતને રસ્તામાંથી હટાવવા માટે બંનેએ ઘાતક કાવતરું ઘડ્યું હતું. 12 એપ્રિલ 2025 ની રાત્રે અમિતના હાથ પકડીને તેનું ગળું દબાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ હત્યાને સર્પદંશમાં ખપાવવા માટે અમરદીપે માતાના જાગરણનું બહાનું ધરીને મદારી પાસેથી એક હજાર રૂપિયામાં સાપ ખરીદીને પલંગ પર છોડી દીધો હતો. તપાસમાં એ પણ સામે આવ્યું કે હત્યાના 24 કલાકની અંદર જ રવિતા અને અમરદીપ વચ્ચે 51 વખત ફોન પર વાતચીત થઈ હતી.

  • અધર્મ ક્યારેય ધર્મથી જીતી શકતો નથીઃ કોર્ટનું અવલોકન

સજા સંભળાવતા પહેલા ન્યાયાધીશે મનુસ્મૃતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે અધર્મ ક્યારેય ધર્મથી જીતી શકતો નથી. આ સાથે સતી સાવિત્રીનું ઉદાહરણ પણ ટાંકવામાં આવ્યું હતું. ચુકાદો આવ્યા બાદ મૃતકની માતા મુનેશ દેવી ભાવુક થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે તેમના પુત્રને જે રીતે મોત આપવામાં આવ્યું, તે જ રીતે આરોપીઓને ફાંસી મળવાથી સાચો ન્યાય મળ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મૃતકના ભાઈ મોનુ કશ્યપે 16 એપ્રિલ 2025 ના રોજ રવિતા અને અમરદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કાનૂની પ્રક્રિયા દરમિયાન સરકારી વકીલ દ્વારા કુલ 12 સાક્ષીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જેના આધારે અદાલતે આ ઐતિહાસિક અને સખત સજા ફટકારી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular