લખનૌ, 16 ઓક્ટોબર 2026: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ હાલમાં લખનૌની ત્રણ દિવસીય મુલાકાતે છે. શુક્રવારે તેમની મુલાકાતનો બીજો દિવસ છે. તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી પાસે મત ચોરીના કોઈ પુરાવા નથી. મત ચોરી અંગે કોંગ્રેસ પક્ષના આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે વધુમાં કહ્યું કે કોંગ્રેસ બાંગ્લાદેશમાં જે બન્યું હતું તે રીતે સરકારમાં પરિવર્તન લાવવા માંગે છે; તેઓ માત્ર અરાજકતા ફેલાવવા ઈચ્છે છે.
રક્ષામંત્રી રાજનાથ સિંહે જણાવ્યું, “દિલ્હીમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એવું જણાય છે કે કોંગ્રેસ અને તેના રાજકીય સાથી પક્ષો પછી ભલે તે સીધી રીતે હોય કે સંલગ્ન સંગઠનોના માધ્યમથી યુવાનોની ઊર્જાને રચનાત્મક કાર્યો અને રાષ્ટ્રનિર્માણ તરફ વાળવાને બદલે, રાજકીય સંઘર્ષ અને અરાજકતા ભડકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશના યુવાનોને અરાજકતાની રાજનીતિમાં પ્યાદા તરીકે ઉપયોગમાં લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે.”
તેઓ બાંગ્લાદેશમાં જે બન્યું હતું તે જ રીતે અહીં પણ સત્તા પરિવર્તન લાવવા માંગે છે આ માટે તેમણે એક પત્રકાર પરિષદમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું પણ છે કે તેમને બાંગ્લાદેશમાંથી પ્રેરણા મળી છે જ્યારે અન્ય એક વ્યક્તિ તો સરકારને ઉથલાવી દેવાની વાત પણ બેધડકપણે કરે છે. આ બાબત સ્પષ્ટ કરે છે કે તેમનો એકમાત્ર એજન્ડા લોકશાહી સંસ્થાઓને તોડી પાડવાનો અને દેશને આગના હવાલે કરવાનો છે. “સત્તા પરિવર્તન” (regime change) જેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે સૂચવે છે કે તેમનો સંઘર્ષ ચૂંટણી સુધારાઓ કે દેશના યુવાનો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવા વિશે નથી. તેના બદલે, તેમનો સંઘર્ષ દેશમાં અરાજકતા સર્જીને સત્તા હસ્તગત કરવાનું એક ષડયંત્ર છે.
આજે સંરક્ષણ મંત્રીનો કાર્યક્રમ
આજે રાજનાથ સિંહ કાલિદાસ માર્ગ સ્થિત તેમના નિવાસસ્થાને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરશે. તેઓ વિવિધ વિસ્તારોની મુલાકાત પણ લેશે, જ્યાં તેઓ શોકગ્રસ્ત પરિવારોને મળશે અને દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
વધુ વાંચો: મૈસૂરમાં ગમખ્વાર અકસ્માત: સ્લીપર બસ-લૉરીની ટક્કરમાં 4નાં મોત, 31 ઘાયલ


