Homeગુજરાતીગુજરાતભરૂચના સાયખા GIDCમાં કેમિકલ કંપનીનું રીએક્ટર ફાટ્યું: 5 શ્રમિકોના મોત

ભરૂચના સાયખા GIDCમાં કેમિકલ કંપનીનું રીએક્ટર ફાટ્યું: 5 શ્રમિકોના મોત

ભરૂચ, 17 ઓક્ટોબર 2026: ભરૂચ જિલ્લાના સાયખા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં શુક્રવારે મોડી રાત્રે એક અત્યંત ભીષણ વિસ્ફોટ થતાં અરેરાટી વ્યાપી ગઈ છે. 15 હજાર લિટરની ક્ષમતા ધરાવતું રીએક્ટર અચાનક ધડાકા ભેર ફાટતાં 5 મજૂરોના નીપજ્યા છે, જ્યારે 6 શ્રમિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ધડાકા બાદ કંપનીમાંથી ઝેરી ગેસ ગળતર શરૂ થતાં સમગ્ર પરિસરમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, રાત્રિના સમયે ફેક્ટરીમાં 15 હજાર લીટરની ક્ષમતા ધરાવતા રીએક્ટર પર કામ ચાલી રહ્યું હતું, તે દરમિયાન અચાનક વિકટ ધડાકો થયો હતો. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે રીએક્ટરના ટુકડા ફેક્ટરીની ચારેય તરફની દીવાલો તોડીને બહાર જઈ પડ્યા હતા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ધડાકાનો અવાજ આશરે 15 કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. ભારે મશીનરી અને પતરાંના શેડ રમકડાની જેમ વિખેરાઈ ગયા હતા.

રીએક્ટર ફાટવાની સાથે જ ફેક્ટરીમાંથી એમડીસી ગેસનું રિસાવ શરૂ થઈ ગયું હતું. ઝેરી વાયુ અને ધુમાડો વાતાવરણમાં પ્રસરી જતાં ફેક્ટરીમાં કામ કરતા અન્ય કર્મચારીઓ તથા આસપાસના લોકોને આંખોમાં તીવ્ર બળતરા થવા લાગી હતી અને કેટલાકની તબિયત લથડી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આઘટનાની જાણ થતાં જ ભરૂચ જિલ્લા પોલીસ કાફલો અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ટેકનિકલ ખામી સર્જાઈ હતી કે સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન થયું હતું તે દિશામાં એફએસએલ અને ઔદ્યોગિક સુરક્ષા વિભાગ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular