ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ વિશે માહિતી આપનારને મળશે 1 કરોડ ડોલરનું ઈનામ
વોશિંગ્ટન, 14 માર્ચ 2026: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો તણાવ હવે વધુ એક નવા સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના નવા સર્વોચ્ચ નેતા (સુપ્રીમ લીડર) મોજતબા ખામેનેઈ અને તેમની સાથે જોડાયેલા અનેક વરિષ્ઠ અધિકારીઓ વિશે ચોક્કસ માહિતી આપવા પર મોટું ઈનામ જાહેર કર્યું છે. અમેરિકન વિદેશ વિભાગના ‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ પ્રોગ્રામ હેઠળ, આ નેતાઓ અને કમાન્ડરો વિશે સચોટ માહિતી આપનારને મહત્તમ એક કરોડ ડોલર સુધીનું જંગી ઈનામ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઈરાનની સૈન્ય અને સુરક્ષા વ્યવસ્થાના નેટવર્ક પર દબાણ વધારવાના પ્રયાસરૂપે અમેરિકાના આ પગલાંને જોવામાં આવી રહ્યું છે.
અમેરિકી વિદેશ વિભાગની ‘ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ’ દ્વારા એક બેનર બહાર પાડવામાં આવ્યું છે, જેમાં વોન્ટેડ લોકોની યાદી જાહેર કરાઈ છે. આ યાદીમાં મોજતબા ખામેનેઈ ઉપરાંત તેમના પિતાના પૂર્વ ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ અલી અસગર હેજાઝી અને ઈરાનના વરિષ્ઠ સુરક્ષા અધિકારી અલી લારીજાનીના નામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ઈરાનના ગૃહમંત્રી ઇસ્કંદર મોમેની, ગુપ્તચર મંત્રી ઇસ્માઇલ ખતીબ અને સર્વોચ્ચ નેતાના વરિષ્ઠ સૈન્ય સલાહકાર યાહ્યા રહીમ સફવી વિશે પણ માહિતી માંગવામાં આવી છે.
Got information on these Iranian terrorist leaders?
Send us a tip. It could make you eligible for a reward and relocation. pic.twitter.com/y7avkqdGWw
— Rewards for Justice (@RFJ_USA) March 13, 2026
અમેરિકન એજન્સીઓનો આરોપ છે કે યાદીમાં સામેલ આ લોકો ઈરાનની શક્તિશાળી સેના ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ના વિવિધ વિભાગોને નિર્દેશ આપવા અને દુનિયાભરમાં તેમના ઓપરેશન્સનું આયોજન કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આઈઆરજીસી દ્વારા દુનિયાના અનેક ભાગોમાં અભિયાનોને અંજામ આપવામાં આવતો હોવાથી આ અધિકારીઓ અને તેમના નેટવર્કને તોડવા માટે માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.
જાહેર કરાયેલા બેનરમાં ચાર અન્ય મહત્વના હોદ્દાઓનો પણ ઉલ્લેખ કરાયો છે, જોકે તેમના નામ જાહેર કરાયા નથી. જેમાં સુપ્રીમ ડિફેન્સ કાઉન્સિલના સચિવ, સર્વોચ્ચ નેતાના સૈન્ય કાર્યાલયના પ્રમુખ, આઈઆરજીસીના કમાન્ડર-ઇન-ચીફ અને સર્વોચ્ચ નેતાના વરિષ્ઠ સલાહકારના પદનો સમાવેશ થાય છે. અમેરિકાનું માનવું છે કે આ પદો પણ આઈઆરજીસીની ગતિવિધિઓ સાથે સીધા જોડાયેલા છે.
‘રિવોર્ડ્સ ફોર જસ્ટિસ’ પ્રોગ્રામની માર્ગદર્શિકા અનુસાર, જે કોઈપણ વ્યક્તિ પાસે આ અધિકારીઓ અથવા આઈઆરજીસીના વરિષ્ઠ કમાન્ડરો વિશે માહિતી હોય, તેઓ સુરક્ષિત માધ્યમો દ્વારા અમેરિકી એજન્સીઓનો સંપર્ક કરી શકે છે. આ માટે ખાસ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ પ્લેટફોર્મ અને ‘ટોર નેટવર્ક’ આધારિત સંચાર પ્રણાલીનો ઉપયોગ કરવાની સુવિધા આપવામાં આવી છે, જેથી માહિતી આપનારની ઓળખ ગુપ્ત રહે. જો માહિતી ઉપયોગી સાબિત થશે તો એક કરોડ ડોલરનું ઈનામ આપવામાં આવશે.
આ પણ વાંચોઃ ખાડી દેશોમાં તણાવની અસર: કાચા તેલના ભાવમાં 41 ટકાનો નોંધપાત્ર વધારો


