શું લેપટોપ સતત ચાર્જિંગમાં રાખવાથી નુકસાન થાય કે લાભ? જાણો શું કહે છે નિષ્ણાતો
How safe to keep laptop plugged in all the time ટેકનોલોજીએ સુવિધાઓ વધારી છે તો તેની સાથે જોડાયેલી કેટલીક બાબતો માણસને સતત ચિંતિત પણ રાખે છે. મોબાઈલ ફોન હોય કે લેપટોપ હોય કે પછી આ બંનેને “ચાર્જ” કરી શકતી પાવરબેંક પોતે જ કેમ ન હોય! – આવા દરેક ઉપકરણને ચાર્જ રાખવાં પડે છે. ચાર્જિંગના પણ પાછા કેટકેટલા આટાપાટા છે. વધારે પડતું ચાર્જ ન થવું જોઈએ, ચાર્જિંગમાં મૂક્યા પછી ભૂલી જઈએ તો આગ અથવા ધડાકાનું જોખમ રહે.
જોકે માણસજાતને આવી બધી જાતે વહોરેલી મુશ્કેલીઓમાંથી બચાવવા અન્ય માણસો જ કામ કરતા રહે છે.
ખેર, આજે મુદ્દો લેપટોપ અને કામગીરી દરમિયાન તેને સતત ચાર્જિંગમાં રાખવા વિશેનો છે. પ્રશ્ન એ છે કે, લેપટોપ સતત ચાર્જિંગમાં રાખવાથી નુકસાન થાય કે લાભ? શું આ રીતે સતત ચાર્જિંગમાં રાખવાથી બેટરીને નુકસાન થાય?
આ વિશે અલગ અલગ મત પ્રવર્તે છે. ફિઝિકલ કેમેસ્ટ્રી કેમિકલ ફિઝિક્સમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર લિથિયમ બેટરી હોય અને તેને ચાર્જમાં મૂકવામાં આવે તો તે ઝડપથી ચાર્જ થઈ જાય છે, પણ સાથે તે ગરમી પણ પકડે છે અને પરિણામે બેટરીના સેલમાં રાસાયણિક પ્રક્રિયાનું સ્તર વધે છે. આથી ચાર્જિંગ થઈ જાય પછી પ્લગ કાઢી નાખવો જોઈએ.
તો બીજી તરફ, નિષ્ણાતો એવું પણ કહે છે કે, હવે આધુનિક બેટરનું નિર્માણ એવી રીતે થાય છે કે તે 100 ટકા ચાર્જ થઈ ગયા બાદ પ્લગ ભલે ભરાયેલો રહે તો પણ વીજપાવર આપોઆપ કપાઈ જાય છે અને તેથી બેટરી ઉપર ચાર્જિંગનું ભારણ રહેતું નથી. આવું થવાથી બેટરીને નુકસાન થવાનું કે પછી તે ગરમી પકડવાનું જોખમ રહેતું નથી.
જોકે, આ બંને પ્રકારની વાત કર્યા પછી નિષ્ણાતો છેવટે એટલી જ સલાહ આપે છે કે, લેપટોપની બેટરી સંપૂર્ણ ચાર્જ થઈ જાય પછી કાંતો પ્લગ કાઢી નાખવો જોઈએ અથવા કમ સે કમ સ્વીચ બંધ કરી દેવી જોઈએ.
આ નિષ્ણાતોની દલીલ છે કે, ભલે આધુનિક લેપટોપમાં ચાર્જિંગ બાદ વીજ કનેક્શન આપોઆપ કપાઈ જાય છે, છતાં જો પ્લગ કાઢી નાખવામાં આવે અથવા સ્વીચ બંધ કરી દેવામાં આવે તો બેટરની લાઈફ વધી શકે છે.
ટૂંકમાં નિષ્ણાતો કહે છે કે, જરૂર હોય ત્યારે ચાર્જિંગ કરો અને ક્યારેક ચાર્જિંગમાં મૂક્યા પછી થોડા કલાક માટે ભૂલી જવાય તો વાંધો નહીં પરંતુ નિયમિત રીતે આવું ટાળવું જોઈએ. અર્થાત જરૂર હોય ત્યારે ચાર્જિંગ કરતા રહેવાનું અને બેટરી ફૂલ થઈ જાય અથવા 80-90 ટકા ચાર્જ થાય પછી થોડા સમય માટે ચાર્જિંગ બંધ કરી દેવું જોઈએ. આવું કરવાથી બેટરી લાઈફ વધે છે એટલું જ નહીં પરંતુ લેપટોપની લાઈફ પણ વધે છે.


