1. Home
  2. બાલાકોટ એરસ્ટ્રાઈક પર ઈટાલિયન પત્રકારનો ખુલાસો: 130-170 સુધીનો મૃત્યુઆંક, 45 આતંકી હજીપણ હોસ્પિટલમાં

બાલાકોટ એરસ્ટ્રાઈક પર ઈટાલિયન પત્રકારનો ખુલાસો: 130-170 સુધીનો મૃત્યુઆંક, 45 આતંકી હજીપણ હોસ્પિટલમાં

0

નવી દિલ્હી: પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુસેનાના હુમલાને લઈને ઈટાલીના એક પત્રકારો મોટો ખુલાસો કરતો દાવો કર્યો છે. જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ફિદાઈન એટેક બાદ ભારતે બાલાકોટમાં એરસ્ટ્રાઈક કરી હતી.

કોંગ્રેસ સહીતના ઘણાં વિપક્ષી દળો દ્વારા એરસ્ટ્રાઈકના મામલે સવાલો ઉઠાવીને મોદી સરકારને આતંકવાદ વિરોધી કાર્યવાહીનો જશ મળતો રોકવાની કોશિશ કરવામાં આવી હતી.

જો કે ભારતમાં લોકસભાની ચૂંટણીમાં મતદાનના બે તબક્કા બાકી છે, ત્યારે ઈટાલીના પત્રકાર ફ્રેંસેસા મૈરિનોએ STRINGERASIA.IT પર બાલાકોટ એરસ્ટ્રાઈકના મામલે સમગ્ર વિવરણ રજૂ કરીને દેશ-દુનિયાના લોકને આશ્ચર્યચકિત કરી દીધા છે.  

ઈટાલિયન પત્રકાર મૈરિનોએ લખ્યું છેકે ભારતીય વાયુસેનાએ સવારે સાડા ત્રણ વાગ્યે હુમલો કર્યો હતો. મારી સૂચના પ્રમાણે શિંકયારી આર્મી કેમ્પથી સેનાની એક ટુકડી ઘટનાસ્થળે પહોંચી હતી.

મેરિનોએ કહ્યુ છે કે સેનાની ટુકડી હુમલાના દિવસે સવારે છ વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. શિંકયારી બાલાકોટથી વીસ કિલોમીટરના અંતરે છે અને તે પાકિસ્તાની આર્મીનો બેઝ કેમ્પ પણ છે. આ સ્થાન પર પાકિસ્તાની સેનાની જૂનિયર લીડર્સ એકેડમી પણ છે. આર્મીની ટુકડી બાલાકોટ પહોંચતા જ ત્યાં કેટલાક ઈજાગ્રસ્તલોકોને પાકિસ્તાની આર્મીએ હોસ્પિટલમાં ખસેડયા હતા.સ્થાનિક સૂત્રો પ્રમાણે, આર્મી કેમ્પની હોસ્પિટલમાં લગભગ 45 લોકોની સરાવાર ચાલી રહી છે. સારવાર દરમિયાન 20 લોકોના મોત નીપજી ચુક્યા છે.

ઈટાલિયન પત્રકારે કહ્યુ છે કે સારવાર બાદ જે લોકો સાજા થઈ ગયા છે, તેમને પાકિસ્તાની સેનાએ પોતાની કસ્ટડીમાં રાખ્યા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા નથી. ઘણાં સપ્તાહો સુધી તપાસ કરીને પોતાના સ્ત્રોતના માધ્યમથી જે જાણકારી મે એકઠી કરી છે,તેના પ્રમાણે કહી શકાય કે હુમલામાં જૈશ-એ-મોહમ્મદની ઘણી કેડરના મોત નીપજ્યા છે. મૃતકોની સંખ્યા 130થી 170 વચ્ચે હોઈ શકે છે. આમાથી એ લોકો પણ સામેલ છે કે જેમના મોત સારવાર દરમિયાન થઈ ચુક્યા છે.

ઈટાલિયન પત્રકાર મેરિનોએ કહ્યુ છે કે જે કેડર મારી ગઈ છે તેમાં 11 ટ્રેનર પણ છે. મૃતકોમાં કેટલાક બોમ્બ બનવવાની અને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ આપનાર પણ સામેલ છે. જે પરિવારના લોકો આ હુમલામાં માર્યા ગયા, તેમના તરફથી કોઈ જાણકારી બહાર લીક થાય નહીં, તેના માટે પણ જૈશ-એ-મોહમ્મદે પુરો બંદોબસ્ત કર્યો છે. મૃતકોના ઘરે જઈને જૈશ-એ-મોહમ્મદના આતંકીઓને વળતર પણ આપવામાં આવ્યું છે.

મહત્વપૂર્ણ છે કે પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના બાલાકોટમાં આવેલા જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકી કેમ્પ પર ભારતીય વાયુસેના તરફથી કરવામાં આવેલી હુમલાની યોજના બનાવવામાં 200 કલાકથી વધુનો સમય લાગ્યો હતો. ભારતમાં કોઈપણ ઠેકાણે બીજા ફિદાઈન એટેક સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીની જાણકારી બાદ આ હુમલાની યોજના શરૂ થઈ હતી.

સૂત્રો મુજબ, જમ્મુ-કાશ્મીરના પુલવામામાં 14 ફેબ્રુઆરીએ થયેલા આત્મઘાતી હુમલાના માત્ર બે દિવસ બાદ સરકારને ગુપ્ત માહિતી મળી હતી. સૂત્રો પ્રમાણે ગુપ્ત માહિતીના આધારે ભારતના કોઈપણ હિસ્સામાં અન્ય આત્મઘાતી હુમલા બાબતે ચેતવણી આપવામાં આવી હતી. આ આત્મઘાતી હુમલો પુલવામાની સરખામણીએ ઘણો મોટો હોવાની વાત કહેવામાં આવી હતી. આ ગુપ્ત માહિતી બાદ તાત્કાલિક સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને સંબંધિત પ્રધાનો, સેના, નૌસેના અને વાયુસેનાના પ્રમુખો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની વચ્ચે તબક્કાવાર બેઠકો થઈ હતી. જેથી જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપી શકાય.

બાલાકોટ અંકુશ રેખાથી ઘણાં અંતરે છે. અહીં આતંકવાદીઓને તાલીમ આવામાં આવે છે. આતંકીઓ સિવાય પાકિસ્તાની સેનાની બોર્ડર એક્શન ટીમ (બેટ)ને પણ બાલાકોટમાં તાલીમ આપવામાં આવે છે. આ હુમલામાં પાકિસ્તાનને મોટા નુકસાનની આશંકા વ્યક્ત થઈ રહી છે.

મૈરિનોએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના કેમ્પ સુધી પહોંચવા માટે પહાડી પર ચઢાણ કરવું પડે છે. જ્યાંથી આનો માર્ગ શરૂ થાય છે, ઠીક તેના પ્રારંભે બ્લૂ પાઈન હોટલ છે. પહાડી પર પહોંચ્યા બાદ એક સાઈન બોર્ડ દેખાય છે, તેના ઉપર તાલીમ – ઉલ- કુરાન લખેલું છે. આ બોર્ડ પહેલા જેવા બોર્ડની જેમ નથી. તેના ઉપર જૈશ-એ-મોહમ્મદ અને મસૂદ અઝહરનું નામ લખેલું હતું. મસૂદ અઝહરના ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત થયા બાદ આ બોર્ડ પરથી તેનું નામ હટાવી દેવામાં આવ્યું છે. જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પનું સંપૂર્ણ નિયંત્રણ પાકિસ્તાની સેનાના હાથમાં છે. તેની કમાન મુજાહિદ બટાલિયનના કેપ્ટન રેન્કના અધિકારીના હાથમાં છે. કેમ્પ સુધી જવા માટે ધૂળિયા માર્ગ પર લોકોની આવનજાવન પર રોક લગાવવામાં આવી છે. પરિસ્થિતિ એ છે કે સ્થાનિક પોલીસ પણ ત્યાં સુધી પહોંચી શકતી નથી.

ઈટાલિયન પત્રકારે પોતાના અહેવાલમાં લખ્યું છે કે હાલ કેમ્પમાં કેટલાક બાળકો અને ત્રણથી ચાર મૌલવી જ દેખાઈ રહ્યા છે. કારણ કે આને સંપૂર્ણપણે ખાલી કરાવી લેવામાં આવ્યો છે. જેથી જૈશ-એ-મોહમ્મદની કોઈપણ ગતિવિધિનું નિશાન મળી શકે નહીં. જૈશ-એ-મોહમ્મદ કેમ્પની બાજૂમાં બિસિયન ટાઉનશિપ છે, જ્યાં લોકો હજીપણ ચર્ચા કરતા રહે છે કે હુમલાના બીજા દિવસે ઘણાં વાહનોમાં કાટમાળ ભરીને કુન્હાર નદીમાં નાખતો જોવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં એ પણ ચર્ચા છે કે જૈશ-એ-મોહમ્મદે પોતાના લોકોને ભરોસો અપાવ્યો છે કે સમય મળતા જ ભારતીય વાયુસેનાની સર્જિકલ સ્ટ્રાઈકનો બદલો લેવામાં આવશે.

ઈટાલિયન પત્રકારનો આ ખુલાસો સોશયલ મીડિયા પર છવાયેલો છે, કારણ કે ઘણાં વિદેશી અહેવાલોમાં સર્જિકલ સ્ટ્રાઈક પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પાકિસ્તાને પણ આવી કોઈ ઘટનાનો ઈન્કાર કર્યો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code