1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદમાં જગન્નાથજીના નીજ મંદિરમાં નેત્રોત્સવ, ધ્વજા રોહણ બાદ સાધુ-સંતોનો ભંડારો યોજાયો
અમદાવાદમાં જગન્નાથજીના નીજ મંદિરમાં નેત્રોત્સવ, ધ્વજા રોહણ બાદ સાધુ-સંતોનો ભંડારો યોજાયો

અમદાવાદમાં જગન્નાથજીના નીજ મંદિરમાં નેત્રોત્સવ, ધ્વજા રોહણ બાદ સાધુ-સંતોનો ભંડારો યોજાયો

0
Social Share

અમદાવાદઃ શહેરમાં અષાઢી બીજ તા.7મી જુલાઈને રવિવારે નીકળનારી ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રજી અને મોટાભાઈ બલરામજીની 147મી રથયાત્રાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. મામાના ઘરે વધારે કેરી અને જાંબુ ખાવાથી ભગવાનને આંખો આવી છે. જેથી સવારે ભગવાનના આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. નેત્રોત્સવ વિધિ કર્યા બાદ ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ધ્વજારોહણની વિધિ બાદ દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાંથી આવેલા સાધુ-સંતોનો ધોળી દાળ અને કાળી રોટી (દૂધપાક-માલપુઆ)નો ભંડારો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઊમટી પડ્યા હતા,

જગન્નાથજી મંદિરમાં ભગવાનના દ્વાર ખુલતા જ ભાવિકોમાં હરખની હેલી જોવા મળી હતી. બાદમાં ‘જય રણછોડ, જય જગન્નાથ’ના નાદ સાથે આરતી કરાઈ હતી. 15 દિવસ પછી ભગવાનના ભાવિકો દર્શન કરતા ધન્યતા અનુભવી હતી. જગતના નાથ ભગવાન શ્રી જગન્નાથજી, મોટા ભાઈ બલભદ્ર અને લાડકી બહેન સુભદ્રા સાથે મોસાળથી નિજ મંદિરે પરત ફર્યા છે. 15 દિવસ મોસાળમાં ભક્તોના લાડકોડનો સ્વીકાર કરી ભગવાન ફરી પોતાના ઘરે પરત ફર્યા છે. ત્યારે આજે નિજ મંદિરે નેત્રોત્સવની પૂજાવિધિ કરવામાં આવી રહી છે. ભગવાનના નેત્રોત્સવ પૂજનના દર્શન દરેક ભક્ત માટે એક લ્હાવો હોય છે, અને એટલા માટે જ આજે વહેલી સવારથી જમાલપુર ભગવાન જગન્નાથજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટાયું હતુ.

રથયાત્રાના પર્વની ઉજવણીમાં નેત્રોત્સવની વિધીનો અનેરૂં મહત્વ છે. કહેવાય છે કે ભગવાનને મોસાળમાં એટલો પ્રેમ મળે છે. કે, તેમની આંખો આવી જાય છે. એટલા માટે જ જયારે ભગવાન નિજ મંદિરે પહોંચે છે ત્યારે તેમની આંખો ઉપર પાટા બાંધવામાં આવે છે. આ પાટા એટલે ઉપેર્ણા. જે નેત્રોત્સવ વિધિ બાદ સૌને પ્રસાદી સ્વરૂપે આપવામાં આવે છે. નેત્રોત્સવ વિધિમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુંઓ શાસ્ત્રોક્ત મંત્રોઉચ્ચાર સાથે ભગવાનની પૂજા કરી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code