
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજોરીમાં એક વિદ્યાર્થિની શિક્ષક દ્વારા માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. હિન્દુ પરિવારની બાળકી નવરાત્રિમાં તિલક લગાવીને સ્કૂલ પહોંચી હતી. જેથી શિક્ષકે તેને માર માર્યો હતો. આ બનાવને પગલે શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેમજ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. જમ્મુ-કાશ્મીરના રાજોરી જિલ્લામાં રહેતા હિન્દુ પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેમની દીકરી તિલક લગાવીને સ્કૂલ પહોંચી હતી. જ્યાં શિક્ષકે તેને માર માર્યો હતો. આરોપી શિક્ષકનું નામ નિસાન અહેમદ હોવાનું જાણવા મળે છે. જ્યારે વહીવટી તંત્રએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને શિક્ષકને સસ્પેન્ડ કર્યો હતો. તેમજ પોલીસ તપાસનો આદેશ કર્યો હતો.
ઉચ્ચ પોલીસ અધિકારી મહંમદ સલમ ચૌધરીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થિનીને માર મારવાની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે. અમને ફરિયાદ મળી છે કે, એક સગીર બાળકીને માર મારવામાં આવ્યો છે. એટલું જ શિક્ષકે આપતિજનક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આરોપી શિક્ષક સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. રાજૌરીના પીડિત પરિવારનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં નિસાર અહેમદ ઉપર છોકરીઓને માર મારવાનો આક્ષેપ કર્યો હતો. વીડિયોમાં પિતાએ કહ્યું હતું કે, જે રીતે મારી પુત્રી અને શકૂરની પુત્રીને માર મારવામાં આવ્યો છે, આવતીકાલે અન્ય શિક્ષક પણ બાળકોને તિલક અને નકાબ પહેરવા બદલ માર મારી શકે છે. હું સરકારને અપીલ કરું છું કે આની તપાસ થવી જોઈએ. મને ન્યાય જોઈએ છે આ કોમી એકતાને ખલેલ પહોંચાડવાનું ષડયંત્ર છે. અધિકારીઓનું કહેવું છે કે જો નિસાર દોષિત સાબિત થશે તો તેની સામે જુવેનાઈલ જસ્ટિસ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથીઓ દ્વારા લઘુમતીઓ ઉપર હુમલાના બનાવોમાં વધારો થયો છે. ચાર દિવસના સમયગાળામાં હુમલાના પાંચ બનાવ નોંધાયાં છે. દરમિયાન શિક્ષાનું મંદિર ગણાતા સ્કૂલમાં તિલક મુદ્દે બાળકને માર મારવામાં આવતા ખળભળાટ મચી ગયો છે.