1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે જયેશ રાદડિયાની શાનદાર જીત
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે જયેશ રાદડિયાની શાનદાર જીત

ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે જયેશ રાદડિયાની શાનદાર જીત

0
Social Share

અમદાવાદઃ ઇફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે ભાજપના જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ છે. દેશની અગ્રણી સહકારી સંસ્થા ઈફ્કોના ડિરેકટરની ચૂંટણીમાં ભાજપનો ભાજપ સામે જ જંગ ખેલાયો હતો. ભાજપે બિપિન ગોતા (પટેલે)ને મેન્ડેટ આપ્યો છે, પરંતુ ભાજપના જ ધારાસભ્ય જયેશ રાદડિયાએ પાર્ટીના મેન્ડેટની ઉપરવટ જઇ પોતાની દાવેદારી કરતાં ચૂંટણી જંગ ખેલાયો હતો. આ ચૂંટણીનું ગુરૂવારે પરિણામ જાહેર થયું હતું, જેમાં કુલ 182 મતમાંથી 180 મત પડ્યા હતા. આ 180 મતમાંથી જયેશ રાદડિયાને 114 મત મળ્યા હતા. જ્યારે તેના નજીકના હરીફ બિપિન ગોતાને 66 મત જ મળ્યા હતા. હવે આજે દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમન તરીકે બિનહરીફ ચૂંટાશે.

દેશની પ્રતિષ્ઠિત ગણાતી અને રૂપિયા 60324 કરોડનું ટર્નઓવર ધરાવતી ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (ઇફ્કો)ના ડિરેક્ટરપદની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ પાટિલ અને અમિત શાહની નિકટના સાથી એવા  બિપિન ગોતાએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અને ભાજપે તેમને સત્તાવાર મેન્ડેટ પણ આપ્યો હતો. જ્યારે બિપીન ગોતા સામે કોંગ્રેસ સમર્થિત વિજય ઝાટકિયાએ દાવેદારી કરી હતી.દરમિયાન ભાજપના મેન્ડેટ પર ચૂંટણી લડતા બિપિન પટેલ સામે ખેડૂતનેતા તરીકે છાપ ધરાવતા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું. ગુજરાતની એક માત્ર બેઠક પર ત્રિપાંખિયા ચૂંટણીજંગમાં ચાર વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી, જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવારની સામે ઉમેદવારી કરનારા રાજકોટના સહકારી નેતા જયેશ રાદડિયાનો શાનદાર વિજય થયો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ સામાન્ય રીતે દર વર્ષે બિનહરીફ થતી ઇફ્કોની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામ્યો હોવાથી વિવાદ અને ખેંચતાણનો માહોલ ઊભો થયો હતો. સહકારી ચૂંટણી પણ પાર્ટી લેવલે લડવાનું ભાજપનું વલણ છે અને એના આધારે પાર્ટી દ્વારા અમદાવાદના સહકારી નેતા બિપિનભાઈ પટેલને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના નામનો મેન્ડેટ પણ ઈસ્યુ કરીને તેમની તરફેણમાં મતદાન કરવાની મતદારોને સૂચના આપવામાં આવી હતી. જોકે ભાજપના મેન્ડેટ વચ્ચે પણ જયેશ રાદડિયા તથા મોડાસાના પંકજ પટેલે ફોર્મ ભરી દીધા હતા. પરિણામે ત્રિપાંખિયા જંગની સ્થિતિનું નિર્માણ થયું હતું અને ચૂંટણી જીતવા ત્રણેય ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર લગાવી દેવામાં આવ્યું હતું.

સૂત્રોના કહેવા મુજબ રાદડિયાએ ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન ગોતાને હરાવવા તમામ ખેલ શરૂ કર્યા હતા. રાદડિયાએ પોતાના જૂથના મતદારોને દિલ્હીમાં અલગ સ્થળે ઉતારો આપી પોતાના તરફે મહત્તમ મતદાન કરી જીત મેળવવા છેલ્લી ઘડીના તમામ પ્રયાસો કર્યા હતા. ઇફ્કો આ ચૂંટણીમાં કુલ 182 મતદાર હતા અને તેમાંથી 94 જેટલા સૌરાષ્ટ્રના મતદારો હતા. જયેશ રાદડિયાને રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, દિલીપ સંઘાણી તેમજ અન્ય સ્થાનિક નેતાઓનું સમર્થન હતું. રાજકોટના 40થી વધુ ઉપરાંત અમરેલીના 29, મોરબીના 12 જેટલા મતદારો પણ રાદડિયાની સાથે હોવાથી તેમની જીત અગાઉથી જ નિશ્ચિત માનવામાં આવતી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code