
ઝારખંડ: મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારની 100 સ્કૂલમાં રવિવારની બદલે હવે શુક્રવારની રજા !
નવી દિલ્હી: ઝારખંડની કેટલીક શાળાઓમાં મુસ્લિમ દ્વારા પ્રાર્થનામાં ફેરફાર કરવાની ઘટના હજુ ભુલાય નથી, ત્યાં વધુ એક ગંભીર ઘટના સામે આવી છે. ઝારખંડ વિસ્તારમાં 100 થી વધારે સ્કૂલોમાં રવિવારની રજાને બદલે હવે શુક્રવારની રજા નક્કી કરી દેવામાં આવી છે, એટલું જ નહીં ઉર્દુ સ્કૂલ નામના બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર ઉપર ગંભીર આક્ષેપ કર્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઝારખંડના જામતાડા જિલ્લામાં સ્થાનિક લોકોએ સરકારી નિયમોનો ભંગ કરીને શાળાઓમાં પોતાની મરજી પ્રમાણેના નિયમો થોપી દીધા છે. તે વિસ્તારની અનેક શાળાઓમાં હવે સરકારી નિયમો પ્રમાણેના રવિવારના સાપ્તાહિક અવકાશ એટલે કે, રજાના બદલે શુક્રવાર (જુમ્મા)ની રજા આપવાનું શરૂ થઈ ગયું છે.
આ વિસ્તારના કેટલાક મુસ્લિમ યુવાનોએ 2-3 શાળાએથી નિયમ બદલવાની શરૂઆત કરી હતી અને હવે 100થી પણ વધારે શાળાઓમાં આ પ્રકારની મન મરજી ચલાવાઈ રહી છે. યુવકોએ શાળાના મેનેજમેન્ટ પર એવું દબાણ કર્યું હતું કે, તે વિસ્તારમાં 70 ટકાથી પણ વધારે મુસ્લિમ વસ્તી છે. શાળાઓમાં મુસ્લિમ બાળકોની સંખ્યા પણ વધારે છે માટે રવિવારે અભ્યાસ ચાલુ રહેશે અને શુક્રવારના રોજ રજા રહેશે.
આ ઉપરાંત સ્કૂલમાં ઉર્દુ ભણાવવામાં આવતું નથી તેમ છતાં સ્કૂલની બહાર ઉર્દુ સ્કૂલ નામનું બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. જિલ્લાના શિક્ષણ અધિકારીઓ હજાર મળે છે. આ વિસ્તાર મુસ્લિમ બહુમતી ધરાવતો હોવાનું જાણવા મળે છે.
દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મરાંડીએ ટ્વિટ કરી લખ્યું હતું કે, ‘મુખ્યમંત્રી હેમંત સોરેનજી, તમે ઝારખંડને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? સમાજમાં ઝેર ઘોળનારી આવી ગેરબંધારણીય કાર્યવાહી પર તાત્કાલિક રોક લગાવીને આવી સમાજ વિરોધી શક્તિઓ સામે આકરા પગલા લો.’