1. Home
  2. ભારતમાં જેહાદી આતંકનો સળવળાટ, શ્રીલંકા જેવા ખતરાની સામે સતર્કતા જરૂરી

ભારતમાં જેહાદી આતંકનો સળવળાટ, શ્રીલંકા જેવા ખતરાની સામે સતર્કતા જરૂરી

0
Social Share

ભારત જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરીત ઈસ્લામિક આતંકવાદના પડકારને પહોંચી વળવા માટે સામાજીક, રાજકીય, સાંસ્કૃતિકથી માંડીને લશ્કરી રાહે પુરજોર કોશિશો કરી રહ્યું છે. તો પશ્ચિમ બંગાળ, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ધીરેધીરે જેહાદના નામે ઈસ્લામિક ક્ટ્ટરપંથીઓ માથું ઉંચકી રહ્યા છે. ભારત સતત વધી રહેલા જેહાદી આતંકના ખતરાની વધુ લાંબો સમય અવગણના કરી શકશે નહીં. આઈએસઆઈએસ દ્વારા કથિતપણે પશ્ચિમ બંગાળ માટે પોતાના નવા આતંકી ચીફની ઘોષણા કરવામાં આવી છે અને શ્રીલંકામાં લોહિયાળ ઈસ્ટર સન્ડે બનાવનારા આત્મઘાતી વિસ્ફોટોએ તમિલનાડુ અને કેરળમાં જેહાદી શક્તિઓની વધતી ભૂમિકા અને તેમને વિદેશોમાંથી મળનારી મદદ તરફ એજન્સીઓનું ધ્યાન ખેંચ્યું છે.

દક્ષિણ ભારતમાં મજબૂત થતું જેહાદી આતંકનું નેટવર્ક!

શ્રીલંકામાં આઈએસઆઈએસના હુમલામાં જોડીદાર નેશનલ તૌહીદ જમાત એટલે કે એનટીજે તમિલનાડુમાં પણ ઝડપથી ફાલીફૂલી રહ્યું છે. તમિલનાડુ નેશનલ તૌહીદ જમાત એટલે કે ટીએનટીજેનું તે વૈચારીક સાથીદાર પણ છે. દક્ષિણ ભારતમાં સાઉદીની નાણાંકીય મદદથી ચાલી રેહલા કટ્ટરવાદી વહાબી વિચારધારાના ટેકેદાર સંગઠનોમાં ટીએનટીજે પણ એક છે. મુસ્લિમ સમુદાયનું સતત અરબીકરણ થઈ રહ્યું છે અને તેનો પ્રભાવ બાંગ્લાદેશ તથા પશ્ચિમ બંગાળને લઈને કેરળ, તમિલનાડુ અને શ્રીલંકાના પૂર્વીય પ્રાંતો સુધી જોવા મળી રહ્યું છે. સીરિયા અને ઈરાકમાં આઈએસઆઈએસની હાર બાદ દક્ષિણ એશિયા ખાસ કરીને ભારત માટે આતંકવાદનો પડકાર વધુ કઠિન બનવા લાગ્યો છે. આતંકી તાલીમ પામેલા આઈએસઆઈએસના આતંકીઓ સીરિયા અને ઈરાકમાંથી પોતપોતાના ઘરે પાછા ફરી રહ્યા છે. જેના કારણે દક્ષિણ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં એક મોટો ખતરો પેદા થઈ ચુક્યો છે. આવા આતંકીઓ મોટા આતંકી હુમલા કરવામાં ખાસા પાવરધા બની ચુક્યા છે.

શ્રીલંકામાં વિસ્ફોટોમાં 259 લોકોના મોત અને 500થી વધુનું ઈજાગ્રસ્ત થવું આઈએસઆઈએસની અફઘાન યુદ્ધ બાદ અલકાયદા દ્વારા અપનાવામાં આવેલી વ્યૂહરચના જેવું છે. અફઘાન યુદ્ધના સમાપ્ત થયા બાદ ઓસામા બિન લાદેન અને તેના સંગઠન અલકાયદાએ એશિયા, પશ્ચિમ એશિયા અને પશ્ચિમી દેશોમાં પોતાના આતંકી અસ્તિત્વના પુરાવા આપતા હુમલા કરવાનું ચાલું રાખ્યું હતું.

જેહાદી આતંકી નેટવર્ક સામે ઢીલાશ કેમ?

આઈએસઆઈએસના સીરિયા અને ઈરાકથી પાછા ફરી રહેલા આતંકીઓ જ ખતરો નથી. પરંતુ એવા સ્થાનિક લોકો પણ મોટો ખતરો બની રહ્યા છે કે જેઓ પોતપોતાના દેશમાં રહીને હિંસાને જ પોતાના મજહબનો હિસ્સો માનવા લાગ્યા છે. આતંકવાદનું ગૌરવગાન કરનારા તત્વો દિવસેને દિવસે પોતાને મજબૂત કરી રહ્યા છે. હાલની લોકસભા ચૂંટણીમાં ડીએમકે અને કેટલાક અન્ય સ્થાનિક પક્ષોએ ખુલ્લેઆમ ટીએનટીજેની પેરવી કરી છે. આ ટીએનટીજેએ શ્રીલંકામાં એનટીજેને મૂળિયા નાખવામાં મદદ કરી છે.

ઢાકા એટેક માટે આઈએસઆઈએસ દ્વારા સ્થાનિક સંગઠનને મ્હોરું બનાવ્યું હતું અને તેવી રીતે શ્રીલંકામાં પણ આઈએસઆઈએસ દ્વારા આવી પેટર્ન જ અપનાવવામાં આવી છે. શ્રીલંકામાં આત્મઘાતી હુમલામાં માર્યો ગયેલો એનટીજેનો પ્રમુખ ઝહરાન હાશિમ ભાગેડું અને વિવાદાસ્પદ ઈસ્લામિક ઉપદેશક ઝાકિર નાઈકના ઝેરીલા મજહબી ભાષણોથી પ્રેરીત હતો.

હાશિમને દક્ષિણ ભારતમાંથી નાણાંકીય મદદના અહેવાલ સામે આવ્યા છે. તો શ્રીલંકાની આર્મીને ચીફે ઈસ્ટર એટેકના હુમલાખોરોના કથિતપણે કાશ્મીર અને કેરળમાં પ્રવાસની વાત કરીને અહીં તાલીમ સંદર્ભે પણ વાત કરી છે. આત્મઘાતી હુમલાઓ સંદર્ભે શ્રીલંકાને આગોતરા ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પુરા પાડનારા ભારતની પોતાની સરહદોની અંદર જેહાદી આતંકીઓ વિરુદ્ધની રણનીતિ બનાવવામાં ઘણી ઢીલાશ છે. તેની પાછળ ભારતનું વોટબેંકનું રાજકારણ ઘણી હદે જવાબદરા છે. ભારતે ઢાકા એટેક બાદ ઝાકિર નાઈક પર ત્યારે પ્રતિબંધ લગાવ્યો કે જ્યારે બાંગ્લાદેશે કાર્યવાહીની માગણી કરી હતી. ઝાકિર નાઈક મલેશિયામાં છે અને તેમ છતાં ભારતે મલેશિયા સાથે કોઈ કડકાઈ દાખવી નથી. મલેશિયામાંથી પામોલિન તેલની આયાત પણ ઘટાડી નથી. ભારતીય ભાગેડું વ્યક્તિને આશ્રય આપવાના મામલે મલેશિયાએ હજી કોઈ ખાસ કિંમત ચુકવી નથી. આ ભારતની સરકારની કોઈ રણનીતિ છે કે નબળાઈ તે પણ હજી સુધી સ્પષ્ટ થયું નથી.

પાકિસ્તાનમાં અલગ નરેટિવ ઉભો કરવાની કોશિશો

એક તરફ અલકાયદા માટે પોતાનું અસ્તિત્વ અને પ્રાસંગિકતાને જાળવી રાખવાનો પડકાર પેદા થયો હતો અને તેવો જ સમય હવે આઈએસઆઈએસ માટે પણ આવ્યો છે. જેને કારણે આઈએસઆઈએસ હવે એવા સ્થાનો પર આતંકી ઘટનાની જવાબદારી લઈ રહ્યું છે કે જ્યાં તેની ખાસ કોઈ હાજરી નથી. શ્રીલંકામાં આઈએસઆઈએસએ જવાબદારી લીધી હોવા છતાં શક્યતા છે કે આઈએસઆઈએસની કટ્ટર વહાબી વિચારધારાથી અસરગ્રસ્ત થયેલા લોકોએ ટેરેર એટેક કર્યો હોય. આત્મઘાતી હુમલાખારો માત્ર સપ્તાહોમાં નહીં, પણ મહીનાઓમાં તૈયાર થતા હોય છે.

શ્રીલંકાનો હુમલો ક્રાઈસ્ટચર્ચ હુમલાના બદલા માટે કરવામાં આવ્યો હોવાનું નિવેદન શ્રીલંકાના એક પ્રધાને પહેલા આપ્યું હતું. પરંતુ બાદમાં શ્રીલંકાના વડાપ્રધાને નિવેદનને નકાર્યું હતું. જો કે આઈએસઆઈએસ આવો દાવો કરે છે. પરંતુ દાવાને સચ્ચાઈ બનાવતી કડીઓના તથ્યોની ચકાસણી જરૂરી છે. આમા પાકિસ્તાનના ટેરર નેટવર્ક અને આઈએસઆઈ પ્રેરીત સંગઠનોના દોરીસંચારની પણ એક તપાસ જરૂરથી કરવાની જરૂર છે. પાકિસ્તાનના અખબારોમાં એક અલગ પ્રકારનું નેરેટિવ ઉભું કરીને નવી વાર્તા ઘડવાની કોશિશ કરાઈ છે. જો કે આવી વાર્તામાં કોઈ દમ નથી.

ભારતીય મીડિયામાં ચોક્કસ લોબિસ્ટોનું વર્ચસ્વ?

બીજી સૌથી મોટી વાત આતંકી હુમલા બાદ જવાબદાર આતંકીઓના પરિવારને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવી આતંકવાદ વિરોધી અભિયાનમાં એક વૈશ્વિક પરંપરા છે. શ્રીલંકામાં પણ આતંકવાદીઓની ઓળખ જાહેર થતા જ તેમના માતાપિતા અને અન્ય કુટુંબીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. અમેરિકા પણ આમ જ કરે છે, પરંતુ ભારતમાં તો અલગ જ પરંપરા ઉભી કરવામાં આવી છે.

પુલવામા એટેક માટે જવાબદાર આતંકવાદીના પરિવારને મુક્ત રાખવામાં આવ્યો અને તે પરિવાર મીડિયા સાથે વાતચીત કરતો પણ દેખાયો. પુલવામા એટેકના આતંકવાદીનો પરિવાર હુમલાને વ્યાજબી ઠેરવતો પણ મીડિયા પર જોવામાં આવ્યો. પ્રચાર અને પ્રસિદ્ધિ આતંકવાદનો ઓક્સિજન છે, કારણ કે તેના દ્વારા તે દહેશતના આધારે પોતાની તાકાત દર્શાવવાની કોશિશ કરે છે.

પરંતુ અફસોસની વાત એ છે કે અમેરિકાની જેમ ભારતમાં આતંકવાદી હુમલાના મામલામાં મીડિયા રિપોર્ટિંગમાં કોઈ આગવી સૂઝ તો દેખાતી જ નથી, પણ તેની સાથે નિયમોનો પણ અભાવ છે.

ભારતીય પત્રકાર આતંકવાદીઓ માટે પ્રોપેગેન્ડા ટુલ બને તેનાથી વધારે કોઈ આશ્ચર્ય હોઈ શકે નહીં. ભારતીય મીડિયાના ચોક્કસ વર્ગ દ્વારા પુલવામા એટેકના હુમલાખોર દ્વારા સુરક્ષાદળોના કથિત અત્યાચારને કારણે છોકરો આતંકવાદી બની ગયો તેવા આતંકીના પરિવારના દાવાને ઉભારવાની કોશિશો કરવામાં આવી હતી. આતંકીના પરિવારે એ જણાવ્યું નથી કે તેમનો છોકરો લશ્કરે તૈયબાને મદદ પહોંચાડવાના મામલામાં પહેલા પણ ચાર વખત જમ્મુ-કાશ્મીર પોલીસના નિશાના પર આવી ચુક્યો હતો અને દરેક વખતે શંકાનો લાભ લઈને છૂટી જતો હતો. આ ભારતીય મીડિયાની પરિપક્વતા નથી અથવા તો ભારતીય મીડિયામાં ચોક્કસ લોબિસ્ટોના વર્ચસ્વના સંકેતો પણ આપે છે.

જેહાદી આતંક વહાબી વિચારધારાનું બગલબચ્ચું

જેહાદી આતંકનો વહાબી વિચારધારા સાથે ઘનિષ્ઠ સંબંધ છે. આ હિંસક અને અસહિષ્ણુ વિચારધારાને સાઉદી અરેબિયા સહીતના ઘણાં ખાડી દેશો ફંડફાળો પુરો પાડી રહ્યા છે. વહાબી કટ્ટરતા આતંકની વૈચારીક ધરી છે, તો આઈએસ, અલકાયદા, તાલિબાન, લશ્કરે તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને બોકો હરામ જેવા આતંકી જૂથો તેને અમલી બનાવનારી કડીઓ છે. શ્રીલંકા જ નહીં, તમિલનાડુ, કેરળ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જેહાદી ખતરાની કડીઓ વહાબી વિચારધારાના પ્રચાર સાથે જ જોડાયેલી છે.

વિદેશમાં આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલાને ભારતમાં સજા આપનારો કાયદો ક્યાં?

બાંગ્લાદેશના વિદેશ પ્રધાને તાજેતરમાં કહેલી એક વાત ઘણી સૂચક છે. તેમણે બાંગ્લાદેશી મૂળની એક યુવતીના આઈએસઆઈએસમાં જોડાવાના મામલે પુછવામાં આવેલા સવાલના જવાબમાં કહ્યુ હતુ કે આ યુવતી પાછી બાંગ્લાદેશમાં આવશે, તો તેને કાયદાકીય રીતે ફાંસીએ લટકાવી દઈશું. ભારતમાં શું કાયદાકીય રીતે દેશની બહાર આતંકી પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવાની કોઈ જોગવાઈ છે ખરી? માત્ર દેશમાં જ નહીં, પણ દેશની બહાર આતંકી પ્રવૃત્તિમાં સંડોવણી ધરાવતા અથવા ભારતમાં પ્રતિબંધિત જૂથો સાથે વિદેશમાં પણ જોડાયેલા કે કામ કરનારા વ્યક્તિની સામે કામ ચલાવવા માટે કાયદાકીય વ્યવસ્થા ઉભી કરવાની પણ હાલની પડકારજનક પરિસ્થિતિમાં પાણી પહેલા પાળ બાંધવા જેવી જરૂરિયાત છે. પરંતુ ચૂંટણીલક્ષી વોટબેંકની રાજનીતિ વચ્ચે ભારતની સંસદમાં આવું થાય તેવી શક્યતા કેટલી? ટાડા અને પોટા જેવા આતંકવાદ વિરોધી કાયદાઓને પણ વોટબેંકના પોલિટિક્સને કારણે હટાવવામાં આવ્યા છે, તો નવા મજબૂત આતંકવાદ વિરોધી કાયદાને ભારતીય સંસદમાં પારીત થવાના અવકાશ બાબતે ખરેખર કેટલીક આશંકાઓ અવશ્ય પેદા થાય છે.

વોટબેંકના પોલિટિક્સથી પર થઈ ભારતહિત કોણ વિચારશે?

જેહાદી આતંકવાદના સળવળાટનો સામનો રાજકારણને બાજૂએ રાખીને કરવામાં નહીં આવે, તો ભારતની આંતરીક સુરક્ષા સામે એક મોટું સંકટ પેદા થવાની શક્યતા છે. આતંકવાદ વિરોધી અભિયાનોમાં ભારતનું ધ્યાન ખાસ કરીને જમ્મુ-કાશ્મીર પર કેન્દ્રીત છે. પરંતુ જેહાદી આતંકી નેટવર્કે કેરળ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ જેવા રાજ્યોના ચોક્કસ વિસ્તોરામાં પોતાનું વર્ચસ્વ વધારવાની કોશિશો આદરી છે. ફેણ માંડી રહેલા ખતરાની સામે આંખ આડા કાન થઈ શકે તેવી હવે સ્થિતિ નથી. સાઉદી અને ખાડી દેશોમાંથી આવનારા ફંડ પર નજર રાખવી અને હિંસા-નફરતના વાહકોની આસપાસ ગાળિયો કસવો પણ એટલો જ જરૂરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code